34 - મન વગરના નિમંત્રણનો શું અર્થ છે ? / હર્ષ બ્રહ્મભટ્ટ


મન વગરના નિમંત્રણનો શું અર્થ છે ?
બોજ જેવા જ સગપણનો શું અર્થ છે ?

આંધળા થઈ ગયા હો તમે સ્વાર્થમાં,
એ પળે દોસ્ત ! દર્પણનો શું અર્થ છે ?

પૌત્ર પરદેશથી ફોન પર પૂછતો ?
ઉંબરાનો ને આંગણનો શું અર્થ છે ?

સાવ બરડો જ ફાટી ગયો હોય જ્યાં,
રેશમી કોઈ પ્હેરણનો શું અર્થ છે ?

સૌ ભળી જાય જ્યાં આખરે ધૂળમાં,
‘હર્ષ’ રજકણ ને ભવરણનો શું અર્થ છે ?


0 comments


Leave comment