35 - હમેશાં કાલમાં ને આજમાં જેવો ફરક લાગે / હર્ષ બ્રહ્મભટ્ટ
હમેશાં કાલમાં ને આજમાં જેવો ફરક લાગે,
જુદી હર વાતમાં ચ્હેરા ઉપર એવી ચમક લાગે.
નિરંતર સાથ એની યાદની મીઠ્ઠી મહક લાગે,
ગમે ત્યાં જાઉં હરપગલે મને મારો મલક લાગે.
અતિશય સાવ નાજુક શ્વાસની દોરી ઉપર જીવન,
અહીં એકેક ધબકારે આ હોવું દિલધડક લાગે.
હતા કૈં બ્હાર અંદર કેટલા કેવા ગજબ લોકો,
ફક્ત સંપર્કમાં એ આપવા આવ્યા સબબ લાગે.
ઘણા આઘાત, ઝંઝાવાત, આંધી એમ ઝીલ્યાં છે,
ઘણીયે વાર કોમળ આ હૃદય મારું ખડક લાગે.
બધાંયે વિઘ્ન હમેશાં અહંકારે જ મૂક્યાં’તાં,
બધું છૂટી ગયું તો કેટલી સીધી સડક લાગે.
0 comments
Leave comment