36 - કૈંક પંડિત અલ્પજ્ઞાની નીકળ્યા / હર્ષ બ્રહ્મભટ્ટ


કૈંક પંડિત અલ્પજ્ઞાની નીકળ્યા,
કેટલા મિથ્યાભિમાની નીકળ્યા.

વાતવાતે જે ગણતરી રાખતા,
એ જ કરવા મ્હેરબાની નીકળ્યા.

ક્રૂર ને કંજૂસ કહેવાતા હતા,
એ મહાખેપાની, દાની નીકળ્યા.

જ્યાં ઘડો આવ્યો ભરાવા પાપનો,
ખોદણી કરવા ખુદાની નીકળ્યા.

રાહ જોતું એકલું મૃત્યુ મળ્યું,
શોધવા જે જિંદગાની નીકળ્યા.


0 comments


Leave comment