37 - ગઝલના દેશમાં ઓળખ હવે કૈં આ પ્રમાણે છે / હર્ષ બ્રહ્મભટ્ટ


ગઝલના દેશમાં ઓળખ હવે કૈં આ પ્રમાણે છે,
મને અંધાર ને ઝળહળ ને જડ-ચેતન પિછાણે છે.

ઘડી ખુશ્બૂ, ઘડી હું તેજ લાગું ને ઘડી ઝરણું,
હૃદયનું આમ થઈ જાવું તમારી ઓળખાણે છે.

ન આવે કલ્પના ત્યાંથી મને મારી ખબર મળતી,
નથી જેને મળ્યો એ પણ હવે મુજને પ્રમાણે છે.

કહો ઓ સંતજી તમને જો આવું થાય શું કરતે ?
અલગ રસ્તે મને આ દેહ ને મન બેઉ તાણે છે.

અનુભવ એટલા છે કૈં જ પણ મનમાં નથી ધરતો,
વખાણી સૌ વખોડે છે, વખોડીને વખાણે છે.

ભરોસો સૌ કરે છે સાંભળીને એકબીજાનું,
અહીંયાં કોણ કેવું છે, ખરેખર કોણ જાણે છે ?


0 comments


Leave comment