38 - ખાલીપો ખખડ્યા કરે છે શ્હેરમાં / હર્ષ બ્રહ્મભટ્ટ


ખાલીપો ખખડ્યા કરે છે શ્હેરમાં,
માણસો ફફડ્યા કરે છે શ્હેરમાં.

કૈંક ગપગોળા બની સિરિયલ મહીં,
જિંદગી ગબડ્યા કરે છે શ્હેરમાં.

પ્રશ્ન મોટો ખૂબ ટ્રાફિક જામનો,
વાહનો ઝઘડ્યા કરે છે શ્હેરમાં.

વાત કરવાનો વખત ક્યાં કોઈને,
એકલા બબડ્યા કરે છે શ્હેરમાં.

ભૂખ ભૂંડી કેટલાં રૂપો ધરી,
ચોતરફ રખડ્યા કરે છે શ્હેરમાં.


0 comments


Leave comment