9.4 - આપઘાત : અપને અપને હૌસલેકી બાત હૈ / સંવાદ / જ્વલંત છાયા


    જન્મ, નોર્મલ ડિલિવરી, સિઝરીયન ફોરસેપ... મૃત્યુ નેચરલ ડેથ, હાર્ટ એટેક, એઈડ્સ કેન્સર આપઘાત... જીવનની અતિ મહત્વની બે ઘટના, પરંતુ બંનેના પ્રકાર વિશે માણસ તદ્દન અજાણ. જન્મ ક્યારે થશે તે ચોક્કસ સમયે નક્કી થઈ જાય છે. મૃત્યુ વિશે મોટાભાગે કોઈ કાંઈ કહી શકતું નથી. અંતિમ સત્ય મૃત્યુ છે, પ્રકાર પછીથી ગૌણ બની જાય છે. નેચરલ ડેથ અવસાન નોંધના એક ફકરામાં સમાય જાય છે. હત્યા, અકસ્માત કે આત્મહત્યા પહેલા કે છેલ્લા પાનાના સમાચાર બને છે, વધુ સરળ અને વાસ્તવની નજીકનો શબ્દ છે સ્વહત્યા. આત્મા ક્યારેય મરતો નથી (નૈન છિન્દન્તી શાસ્ત્રાણી નૈનં દહતિ પાવક: ) મૃત્યુ પોતે યુગોથી છે એમ જ આપઘાત પણ અનેક પરિક્ષ્યને જોતાં ચર્ચાનો મામલો રહ્યો છે. સ્વેચ્છા મૃત્યુ, આત્મહત્યા એ વીરતા છે કે કાયરતા ? ત્યાગ છે કે પલાયનવાદ ? આપઘાત ગુનો છે કે માણસનો અધિકાર ? માર્ક ટ્રવેઇને કહ્યું હતું, ‘કુદરત છીનવી લેવાનું કૃત્ય છે.’

    બૌદ્ધ ધર્મમાં બે તૃષ્ણાનો ઉલ્લેખ છે. ભવ તૃષ્ણા અને વિભવ તૃષ્ણા અને જીવન કે મૃત્યુ બેઉની ઇચ્છા ન રહે તે વિભવ તૃષ્ણા. ધર્મની દ્રષ્ટિએ એ બંને તૃષ્ણા માણસના જીવનની પ્રગતિમાં બાધારૂપ છે. મનુ ભગવાનનું એક અવતરણ છે નાભિનન્દેત મરણ, નાભિનન્દેત જીવિતમ્. ન મૃત્યુનું અભિનંદન કરો ન જીવનનું.

    કાકા કાલેલકરનું એક સરસ પુસ્તક છે ‘પરમ સખા મૃત્યુ’ એનાં સ્વેચ્છા મરણ પ્રકરણમાં તેઓ લખે છે મનુષ્ય જાતિના ઇતિહાસમાં એવા યુગ કે કાળખંડ મળી આવે છે કે જયારે મરી ફીટવાની વાસના સમાજમાં ફેલાતા રોગની માફક ફેલાય છે. બૌદ્ધયુગમાં એવા દિવસો આવે છે કે જયારે અનેક માણસોમાં મરી ફીટવાનો ઉત્સાહચેપ અથવા સંસર્ગની પેઠે વધતો જતો હતો.
   
    ગાંધીજીને ટાંકીને કાકાસાહેબ લખે છે, ગાંધીજીએ કહેલું કે માણસને પોતાના જીવનનો અંત આણવાનો અધિકાર છે, હોવો જોઈએ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે કે કેટલાંક માણસો પોતાથી પાપાચાર થઈ ગયા બાદ ફજેતી અને નામોશીથી બચવા માટે જે આત્મહત્યા કરે છે તે મને માન્ય નથી. મનુષ્યથી જો દુરાચાર થઈ ગયો તો એનો ધર્મ છે કે જીવીને તેનું પ્રાયશ્ચિત્ત કરે. જો માણસ પોતાના પાપાચારનો વેગ વધુ ને વધુ બળવાન બનતો જુએ અને આત્મહત્યા સિવાય પોતે પાપથી નહીં બચી શકે તેવી ખાતરી થાય ત્યારે વધુ પાપમાંથી બચવા માટે જ તેને આત્મહત્યા કરવાનો અધિકાર છે.

    અલબત્ત, આપઘાત અને પાપને સીધી નિસ્બત નથી. આપઘાત કરનારી દરેક વ્યક્તિ પાસે કદાચ તેનું પોતીકું કારણ છે, અંગત સમસ્યા છે. પ્રશ્નો છે ભૌતિક સુખોનો ભવ્ય ખજાનો છે. આધ્યાત્મિક ગુરુઓના પ્રવચનો-કથાઓના લાઈવ ટેલિકાસ્ટ છે અને યજ્ઞો પણ છે છતાં આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે. નેચરલ ડેથ દુઃખદાયક હોય છે, આપઘાત ક્યારેક શોકિંગ હોય છે, આત્મહત્યા કરનાર વ્યક્તિઓ તો સદાયને માટે શાંત થઈ જાય છે. પણ પાછળના લોકો માટે ક્યારેક એક ચિરંતન ચિત્કાર છોડતી જાય છે. મૃત્યુનો અનુરવ હોય છે જે ક્યારેક સ્મરણરૂપે સંભળાય છે, આત્મહત્યાની ઘટના સતત પડઘાતી રહે છે.

    શું કામ થાય છે આત્મહત્યા ? ગરીબી ? બેકારી ? કરજ, બીમારી ? આંકડાઓ કંઈક જુદું જ બયાન કરે છે. જે રાજ્યો ગરીબ ગણાય છે તે બિહારમાં દર વર્ષે સરેરાશ ૮૪૨ અને ઓરિસ્સામાં ૪૦૮૯ લોકો આપઘાત કરે છે. સમૃદ્ધ માનતા ગુજરાતમાં વર્ષે સરેરાશ ૪૮૧૦, મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરે છે એમ નેશનલ બ્યૂરો ઓફ ક્રાઈમ રેકોર્ડના આંકડા કહે છે.

    સ્ત્રીલેખિકાઓ, મહિલા સંગઠનોને વિદીત થાય કે દેશમાં આત્મહત્યા કરનારા લોકોમાં સ્ત્રીઓ કરતાં પુરુષોની સંખ્યા વધારે છે. નેશનલ બ્યૂરો ઓફ નેશનલ ક્રાઈમ રેકોર્ડના તારણ મુજબ ભારતમાં દર વર્ષે ૧૦૯૭૯૦ લોકો આત્મહત્યા કરે છે. તેમાં ૬૭૪૭૭ પુરુષ અને ૪૨૩૧૩ સ્ત્રીઓ હોય છે.

    કુટુંબની સમસ્યાને લીધે વર્ષે ૧૪૧૦૫ પુરુષ અને ૧૦૧૭૭ મહિલા આપઘાત કરે છે. અસાધ્ય રોગને લીધે જીવન ટૂંકાવી લેનાર પુરુષ ૧૦૦૯૨ અને સ્ત્રીઓ ૫૭૭૩ છે. પ્રેમસંબંધને લીધે ૧૭૫૭ પુરુષ અને ૧૬૬૭ સ્ત્રીઓ આપઘાત કરે છે. દહેજ, શારીરિક શોષણ અને નિ:સંતાનપણાને લીધે સ્ત્રીઓ વધારે મરે છે. બાકીનાં કારણોમાં પુરુષો જ આપઘાત કરે છે. વર્ષે ૨૨૬૬૩ પુરુષ અજ્ઞાત કારણોસર ‘વખ ધોળે’ છે અને ૧૨૬૩૮ સ્ત્રીઓ કૂવા પૂરે છે કે અગનપછેડી ઓઢે છે. કોઈએ કહ્યું છે આપઘાત એ કાયરોનું કામ છે પણ એ કરવા માટે ઘણી હિંમત જોઈએ.

    પરીક્ષાનો કે પરિણામનો ડર, કે જિંદગીમાં સાથ ન નિભાવી શકતાં મૃત્યુનો પથ સાથે પકડવો એમાં કારણો સ્પષ્ટ છે. ગૃહિણીઓની આત્મહત્યા પોલીસ દફતરે હંમેશા અકસ્માત બની જાય છે. ગેસ સિલિન્ડરોવાળા ઘરમાં પણ ‘પ્રાઈમસની ઝાળ’ લગતા મૃત્યુ થાય છે, મૃત્યુ વખતે સાસુ દરણું દળાવવા જ ગઈ હોય છે... ૨૭ વર્ષની યુવતીઓએ ‘ભૂલથી’ ઘઉંમાં નાખવાની ઝેરી ટીકડીઓ ખાઈ જાય છે. આવી અનેક ઘટના-દુર્ઘટના બને છે. આપઘાત કરાય ? ના, વિદ્ધાનો, ગ્રંથો, સમાજના રખેવાળો, હકારાત્મક વિચારમાં માનતા લોકો કહે છે આપઘાત કાયરતા છે, જિંદગીથી ભગાય નહીં. મુશ્કેલીઓનો સામનો કરાય. પણ બીજો મત છે કે આત્મહત્યા ‘ડેથ વિથ ડિગ્નિટી’ છે. આખી જિંદગી માણસ એક રૂત્બાથી, સ્વમાનથી જીવ્યો હોય, અપંગતા રાજ ન આવે અને આપઘાત કરી લે કે પછી સંવેદનાઓ છેદાય અને મન ઊઠી જાય... એકંદરે કેટલી કેટલી મુશ્કેલીઓ સહન કરીને પંગુતાને વશ થઇને, પણ માણસ જીવ્યે જતો હોય છે. એ કેવી નિર્વિલ્પ નિ:સહાય સ્થિતિ હશે કે માણસ પોતે જ પોતાની જિંદગીનો અંત આણે. શાયર જલન માતરીનો શેર છે, ‘મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી, આવો વિચાર પણ આપઘાત કરનારને આવતો નથી. એક ક્ષણ દિમાગ પર એવું ઝનૂન સવાર થઈ જાય છે અને કાયા આત્માથી અલગ...

    સાઈકૉલોજિસ્ટો કહે છે કે આત્મહત્યા ડિપ્રેશનનું અંતિમ ચરણ છે. આપઘાત એ આપણે ત્યાં તો ચર્ચાનો કે પોલીસ તપાસનો જ વિષય છે પણ અમેરિકામાં તો એક સંસ્થા છે હેમલોક સોસાયટી તેનું સૂત્ર છે ડેથ વિથ ડિગ્નિટી. આ સંસ્થાના સ્થાપક ડેરેક હમ્ફ્રી લેખક છે. તેમણે પુસ્તક લખ્યું છે ‘ફાઈનલ એકિઝટ’ આ પુસ્તકમાં સ્વેચ્છાએ મૃત્યુ પામવાનો મહિમા વ્યક્ત થયો છે. આત્મહત્યા કઈ રીતે કરવી એટલે કે પીડારહિત મૃત્યુ જેવું હોય તેના નુસખા આ પુસ્તકમાં છે. અમેરિકામાં આ પુસ્તક ભારે ચર્ચાસ્પદ બન્યું હતું. બીમાર લોકોએ ડૉક્ટરની મદદથી મરણ માગી લેવું જોઈએ તેવું હમ્ફ્રી માનતા. માત્ર માનતા એવું નહીં, પોતાની માતાને કેન્સરની પીડા વધી ગઈ ત્યારે તેણે પોતે જ મા માટે ઝેરી ટીકડીઓ તૈયાર કરી આપી હતી. એવી જ રીતે કેન્સરગ્રસ્ત પત્નીને પણ તેણે ડૉક્ટરની મદદથી અકુદરતી મોત આપ્યું હતું...

    આ કુદરતી મોત ? અપમૃત્યુ ? કેવી રીતે હોઈ શકે. મૃત્યુ માત્ર કુદરતી જ હોય એ કોઈપણ ઉંમરે થાય, કુદરતની મરજીથી જ થાય છે. ૩૫ વર્ષની વયે કોઈ વ્યક્તિ વિદાય લે એ આપણે સ્વીકારી શકતા નથી એટલે એને અકાળે મૃત્યુ કહીએ છીએ. ડેસ્ટીની કે ઓલમાઈટી માટે મૃત્યુ અકાળે નથી. પરંતુ એ એનાં નિશ્ચિત સમયે જ થાય છે. એક્સ ફિલ્મનો સંવાદ સ્મરે, ન કોઈ મરતા હૈ ન કોઈ મારતી હૈ, મેં તો નિમિત્ત માત્ર હું, યે મેં નહીં કહેતા તુમ્હારી ગીતા મેં લિખા હૈ..’

    આપઘાત ન કરાય એવું ચિંતકો કહે છે. ગુજરાતી લેખક આત્મારામ પટેલનું પુસ્તક ‘મૃત્યુ પછીની દુનિયા’માં લેખકનો દાવો છે કે તેમાં મૃતાત્મા સાથે વાતો કરાઈ છે. પુસ્તકમાં જે વર્ણન છે તે મુજબ આપઘાત કરનાર વ્યક્તિ એવું માની લે છે કે જિંદગીની વ્યથાઓ, વિટંબણાઓથી છૂટી જાય છે. પરંતુ તે જે મૂંઝવણ કે દુઃખને કારણે તેમણે આપઘાત કર્યો હોય તો તેને વળગેલા જ રહે છે. આપઘાતથી તો સ્થૂળ શરીર સૂક્ષ્મ દેહ અને માંથી છૂટું પડી જાય છે. તે પછી આપઘાત જ વાતમાં અંધકારમાં હવાતિયા મારતો અવગતિ અવસ્થામાં પડી જાય છે... આવા અનેક મતાંતરો છે, પણ એક મતાંતર છે, પણ એક વાત નક્કી કે મુશ્કેલીઓનો સામનો કરીને જીવવામાં જ મર્દાનગી છે તો આત્મહત્યા એ પણ કંઈ ખાવાના ખેલ નથી. બીજા પર પ્રહાર કરવો સહેલ છે, જાતને ટાંકણી પણ અડાડી નથી શકાતી. ધૂપસળી ચાલુ હોય અને હાથ અડી જાય તો કેવી વેદના થાય છે ? તેની સામે આખા શરીરે કેરોસીન છાંટીને સળગી જવું એટલે ? અને તેમાંય ૩-૩ સંતાનો સાથે લઈને દંપતી સળગે કે કુહાડીથી માથા વધેરે... કેવી દોજખ બનતી હશે જિંદગી કે માણસ પ્રહલાદનું જેમ આપઘાતરૂપી સળગતા થાંભલાને ભેટે... મૃત્યુરૂપી નૃસિંહ આવીને આ જિંદગીનો સંહાર કરે.. એવું ઈચ્છે. બાકી તો આ બધું સહેલું નથી ‘જિંદગી તન્હા સફર કી રાત હૈ, અપને અપને હોસલે કી બાત હૈ!’


0 comments


Leave comment