37 - શયનવેળાની પ્રાર્થના / જગદીપ ઉપાધ્યાય


નીતરેલા ઊંઘ તણા ફોરામાં લહેરાતાં
    લોચનમાં એનઘેન આવજો.
ચેતનાની વાંસળીમાં મારીને ફૂંક
    કોઈ સૂરો તે ગૂઢા વહાવજો.

ફાટ ફાટ અજવાળે ભરતા ડગ
    હોય કાળાં અંધારાં પગમાં અટવાયાં,
વારિના વાગવાથી સોંસરવા વેણ
    હોય કમળનાં પોત પણ ભીંજાયા,
અડતામાં ઊંહકારો થાય એવા
    લોહી તણા જખમોને ઊંઘમાં રુઝાવજો.

રાતભર ડાળડાળ ફૂલો આળેખતાં
    શમણાંને કહેજો કે આવે,
અંતરના આભમાં રંગો ઉઘાડવા
    પીંછી ગુલાલભરી લાવે,
શ્વાસોની કોરમોર પુરાવી અજવાળાં
    ભીતરમાં ઝળહળ ચિતરાવજો.

'નવનીત સમર્પણ' : જુલાઇ – ૧૯૯૭


0 comments


Leave comment