38 - ગ્રામીણ મહિલાઓનું કથાગીત / જગદીપ ઉપાધ્યાય


એકસરીખા પડછાયા ના તડકામાં જુદાઈ રે, ઓહો મારી બાઈ રે
ગાઈએ ભવની આવો સૈયર આજ મળી ભવાઈ રે, ઓહો મારી બાઈ રે

ડેલીબન્ધા દેશ અમારા ભીંતોથી સગાઈ રે, ઓહો મારી બાઈ રે
લીમડા માફક ફળિયા વચ્ચે અમે ગયા જડાઈ રે, ઓહો મારી બાઈ રે

ગાર - ગોરમટી, છાણ - વાસીદાં દોડું થૈ રઘવાઈ રે, ઓહો મારી બાઈ રે
ધૂળ ચાટતાં દર્પણ લૂછવા ઘડી નથી નવરાઈ રે, ઓહો મારી બાઈ રે

લીલાં પીળાં ઘાસ વઢાતાં જોબન ગ્યા વઢાઈ રે, ઓહો મારી બાઈ રે
ભરચક આવ્યા ઉનાળા ગ્યા ચોમાસાં ફંટાઈ રે, ઓહો મારી બાઈ રે

હાથ નીરખતાં જોશીડાની મતિ ગઈ મુંઝાઈ રે, ઓહો મારી બાઈ રે
હસ્તરેખામાં એને ડાળો બાવળની દેખાઈ રે, ઓહો મારી બાઈ રે

શૂરા - પૂરા, વડલા પૂજ્યા, પૂજ્યા રાંદલ માઈ રે, ઓહો મારી બાઈ રે
સાતે ભવનાં આંસુ ફળિયાં હરખે દુઃખડા ગાઈ રે, ઓહો મારી બાઈ રે

'કવિલોક' નવેમ્બર - ડિસેમ્બર ૧૯૯૨


0 comments


Leave comment