39 - તુંહી / જગદીપ ઉપાધ્યાય


છે ફૂલ રૂપે અત્ર તું, સુગંધ રૂપે તત્ર છે ;
તારી જ ચર્ચા દરબદર ચાલી રહી સર્વત્ર છે.

તારી કરું જ્યાં કલ્પના સહરા બની જાયે ચમન,
તુંને કરું જો બાદ; તરસ્યા શ્રાવણે નક્ષત્ર છે.

મારાં બધાં સપનાં રમે છે નિશ્ચિતે તવ આંખમાં,
નિર્ભય અને નાજુક તારી પાંપણોનું છત્ર છે.

સંવાદ ટહુકાળા, વિચારો ખુશ્બૂમય, લીલાં કવન;
તવ રૂપ પર ફૂલો સજાવ્યાં - એ બહારી સત્ર છે.

આવે અને જાયે પૂરી મમ રિક્તતામાં સ્પંદનો,
ખીલ્યું ઉષાએ પુષ્પ તાજું એ જ તારો પત્ર છે.

'અખંડ આનંદ' : ઓક્ટોબર – ૨૦૦૪


0 comments


Leave comment