40 - ગઝલ - પ્રશ્ન ક્યાં હતો / જગદીપ ઉપાધ્યાય


હું વૃક્ષ લીલું, આપ છાયા હોત તો તો પ્રશ્ન ક્યાં હતો ?
ઝાકળ સમી ચપટીક માયા હોત તો તો પ્રશ્ન ક્યાં હતો ?

અસ્તિત્વ ભૂલી આપણું વિહંગનો કલરવ થઈ કદી,
આ કંઠ છલકાતા ગીત ગાયા હોત તો તો પ્રશ્ન ક્યાં હતો ?

દીધા સતત સૌને પતંગિયા, પુષ્પ ને સૌરભ અમે;
જો થોર પણ ગાંઠે રખાયા હોત તો તો પ્રશ્ન ક્યાં હતો ?

ને પ્રશ્ન તો એથી થયો ગોખ્યા સ્વરો આ સામવેદના,
થોડા ટહુકાઓ શિખાયા હોત તો તો પ્રશ્ન ક્યાં હતો ?

છે સત્ય જગનું શેષ એવા માનવીને પૂજવા અહીં,
એકાદ - બે દેવળ ચણાયા હોત તો તો પ્રશ્ન ક્યાં હતો ?

મિત્રો, કહેવાદો મને દર્પણ સદા જૂઠું કહે, જૂઠું !
અસલી ચહેરાઓ બતાયા હોત તો તો પ્રશ્ન ક્યાં હતો ?

આ લાગણીના યુદ્ધમાં ઝખ્મી થયા તો એકલા અમે -
એમાં તમે પણ કૈં ઘવાયા હોત તો તો પ્રશ્ન ક્યાં હતો ?

'વિશ્રામ' : ઓગષ્ટ - ૯૫
'વિશ્રામ' : મે - ૧૯૯૯
'શબ્દાયન' 'દીપોત્સવી' : ઓક્ટો. - નવે. – ૨૦૦૦


0 comments


Leave comment