41 - જ્યારે / જગદીપ ઉપાધ્યાય
નિરખતા રણ ન હોયે સ્થૂળ જ્યારે,
જળે એનાં મળે છે મૂળ જ્યારે.
ફૂલોની વારતા તો સૌ કરે છે,
નથી હોતી ડગરમાં શૂળ જ્યારે.
પ્રતીક્ષા રંગ લાવે છે જિગરમાં,
ઝરૂખા થૈ જતા વ્યાકુળ જ્યારે.
મને હર શ્વાસમાં ફૂલો ઝરે છે,
વતનની સાંભરે છે ધૂળ જ્યારે.
સૂરજની પણ થઈ ગૈ આંખ ભીની,
ફૂલોએ પાથર્યાં પટકૂળ જ્યારે.
'કવિલોક' : જુલાઈ - ઓગષ્ટ ૧૯૯૧
0 comments
Leave comment