42 - જીવનારાયણનું ગીત / જગદીપ ઉપાધ્યાય


બની કૂકરી જીવણ ફળિયે દડિયા રે હો દડિયા રે હો હરિ ! હરિ !
કરી કૂંડાળા જીવતર જીવતર રમિયા રે હો રમિયા રે હો હરિ ! હરિ !

ગોળ ફેરવી એમ વિધાતા હસિયા રે હો હસિયા રે હો હરિ ! હરિ !
જેમ ફેરવે હસી છોકરા ગરિયા રે હો ગરિયા રે હો હરિ ! હરિ !

જીવ સાંધતા ફૂટ્યાં ટેરવે ટશિયા રે હો ટશિયા રે હો હરિ ! હરિ !
ટેભા લૈને જીવણ મારે બખિયા રે હો બખિયા રે હો હરિ ! હરિ !

જળજળિયાંને ક્યાંથી કાઢે અખિયા રે હો અખિયા રે હો હરિ ! હરિ !
નીર વછોયાં દરિયે જીવતર તરિયા રે હો તરિયા રે હો હરિ ! હરિ !

ગાંધી ટોપી ભાળી મસ્તક નમિયા રે હો નમિયા રે હો હરિ ! હરિ !
આજ નહીં તો કાલ થશે એ સખિયા રે હો સખિયા રે હો હરિ ! હરિ !

'વિશ્રામ' : ઓગષ્ટ – ૧૯૯૫


0 comments


Leave comment