44 - એમના નિરાળા ઇનકારની અ - ફૂલ કથા / જગદીપ ઉપાધ્યાય


ફૂલ વિશે, રંગ વિશે મેં ક્હ્યું બોલો જરી તો વાત એક જ તેમણે કર્યા કરી 'ફૂલ હજુ ખીલ્યાં નથી'
ફૂલ ખીલે તો પછી શું ? એમ જો પૂછ્યું ફરી તો વાત એક જ તેમણે કર્યા કરી 'ફૂલ હજુ ખીલ્યાં નથી'

ફૂલ વિષયમાં કરી મેં હોય ઉતાવળ, હજુયે હોય પતઝડની અસર કે ફૂલ પ્રત્યે હોય એને પૂર્વગ્રહ ;
એમની સામે નજર મેં ઠેરવી શંકા ભરી તો વાત એક જ તેમણે કર્યા કરી 'ફૂલ હજુ ખીલ્યાં નથી'

મેં રહીને વાત બદલી કે રમે છે મુગ્ધ સપનાંઓ તમારા વિશ્વમાં ? ક્યારેય લીધું છે ગગનને બાથમાં ?
કે ગયા છો કોઈ દિવસ ખુદ પોતાથી ડરી ? તો વાત એક જ તેમણે કર્યા કરી 'ફૂલ હજુ ખીલ્યાં નથી'

મેં બતાવ્યાં દૂર હરણાંઓ સ્વચ્છંદે ખેલતાં, જોયા માનવી એક - બે રંગો પતંગિયાંના નયનમાં આંજવા
ને વીણેલાં બુલબુલોનાં ગીત પણ જોયાં ધરી, તો વાત એક જ તેમણે કર્યા કરી 'ફૂલ હજુ ખીલ્યાં નથી'

સૂર્યની પીંછી લઈને વ્હાલસોયી ડાળડાળે ચીતરેલી મેં સુગંધી પ્રેમની બે-ચાર વાતોનો પછી
ના શક્યા ઇનકાર થોડોકેય જ્યારે એ કરી તો વાત એક જ તેમણે કર્યા કરી 'ફૂલ હજુ ખીલ્યાં નથી'

'કવિતા' ( ૨૧૦ ) : ઓગષ્ટ - સપ્ટેમ્બર – ૨૦૦૨


0 comments


Leave comment