45 - સ્વર્ગને જોતાં... ( એક સ્વગતોક્તિ ) / જગદીપ ઉપાધ્યાય


ભરપૂર જોયો ઇષ્ટભોગોનો બધેય પ્રબંધ ને મનમાં કહ્યું મેં સ્વર્ગ કંઈ મારી ધરા જેવું નથી !
ક્યાંયે નયન ને નેહનો ભાળ્યો નહીં અનુબંધ, ને મનમાં કહ્યું મેં સ્વર્ગ કંઈ મારી ધરા જેવું નથી !

એ ઇન્દ્રનગરીમાં રૂપાળી પાલખીમાં ફેરવ્યો ને એ વિષે પૂછ્યો અનુભવ ઇન્દ્રએ તો સાંભર્યા -
મૃત્યુ સમે રડતી ગલી, મિત્રો તણા એ સ્કંધ, ને મનમાં કહ્યું મેં સ્વર્ગ કંઈ મારી ધરા જેવું નથી !

મા પણ મળી સ્વર્ગે, સુખી પણ કેટલી કે હું કશું માંગુ, તરત આપે ! કરું તો વેન પણ શાના કરું ?!
એ રાંક ઘરના લાડનો નજરે તર્યો સંબંધ, ને મનમાં કહ્યું મેં સ્વર્ગ કંઈ મારી ધરા જેવું નથી !

મંડપ લતાના, ક્ષીર ઝરણાં, અપ્સરા મોહક - નહોતું શું અહીં ? ટીપું નહોતું એક આંસુનું ફક્ત !
કે સ્થિર ને બંધિયાર જોયો લાગણીનો બંધ, ને મનમાં કહ્યું મેં સ્વર્ગ કંઈ મારી ધરા જેવું નથી !

"ફૂલો જ છે બસ સ્વર્ગમાં ? હોતી નથી વર્ષાઋતુ શું ?" પૂછતાં સ્હેજે દૂતોએ ધાર વર્ષાની કરી ;
પણ માણવી મારે હતી માટી તણી મધુગંધ, ને મનમાં કહ્યું મેં સ્વર્ગ કંઈ મારી ધરા જેવું નથી !

'અખંડ આનંદ' : માર્ચ – ૨૦૦૬


0 comments


Leave comment