46 - નખ પરના સગપણ / જગદીપ ઉપાધ્યાય


ચોંકી સફાળું ઊઠતી પાંપણ મળે, ના હું મળું ના તું મળે,
સળગી ગયેલા સ્વપ્નનાં રજકણ મળે, ના હું મળું ના તું મળે.

ઘટના ઘટી છે સ્નેહના જળ ગામમાં ડૂકી જવાની કારમી,
ચ્હેરો, ચહેરા પર મૂકી બે જણ મળે, ના હું મળું ના તું મળે.

કાળી સડકના ઊભરાતા શ્વાસમાં, યાન્ત્રિક કોલાહલ મહીં -
ટૂંપાઇને ઉબાઇ જાતી ક્ષણ મળે, ના હું મળું ના તું મળે.

સાગર તણી વાતો કરે લૈને અહીં સૌ હાથમાં ખાબોચિયું,
નખ પર વધેલાં આજ સૌ સગપણ મળે, ના હું મળું ના તું મળે.

હડફેટમાં માણસપણું લૈ દોડવાનું ટ્રેન માફક ચીસતા,
ખિસ્સું ભરીને રોજ તાજા વ્રણ મળે, ના હું મળું ના તું મળે.

'કવિલોક' : જાન્યુ. - ફેબ્રુ. – ૨૦૦૧


0 comments


Leave comment