48 - માણસાયણ / જગદીપ ઉપાધ્યાય
સૂર્ય બદલે નભ વચાળે ઊગતી તડકાળ કોઈ પ્યાસમાં જીવી રહ્યો છું હું,
કાર, ક્લબ, કોઈન, કેવેન્ડર અને કેપ્સ્યુલમાં રત શ્વાસમાં જીવી રહ્યો છું હું.
એક બસ બાકી હતું જે એરકન્ડિશન્ડ વસાવ્યું એય ઇમ્પોર્ટેડ તોયે જ્યાં,
દૂર સરવાળે રહ્યું ઘર એવા આક્રમણ નિવાસમાં જીવી રહ્યો છું હું.
ન્યુઝમાં નૃશંસ હત્યાકાંડને જોતા પરસ્પર એ વિષયને ચર્ચતા મિત્રો,
જ્યૂસના ઘૂંટો ભરે છે કે પડી કોઠે ગયેલા ત્રાસમાં જીવી રહ્યો છું હું.
કંપનીમાં સાતમી વેળા ચૂંટાયો હું ડિરેક્ટર કે લૂંટારો થઈ ગયો પાકો,
લૂંટનારો બ્રેડ ને બિસ્કિટ અવરના જેન્ટલી લિબાસમાં જીવી રહ્યો છું હું.
વિસ્તરીને પાનખર આવી ગઈ છે શ્હેર, શેરી ને હવે તો ઘર સુધી મારા,
લઇ વસંતો આવશે ગાંધી મહાત્મા કોઈ એ વિશ્વાસમાં જીવી રહ્યો છું હું.
'કવિલોક' : સપ્ટેમ્બર - ઓક્ટોબર – ૨૦૦૨
0 comments
Leave comment