49 - ખોલી દૈને ખડકી / જગદીપ ઉપાધ્યાય


ઊઠતાંભેળું ઘર સવારે ગયું સમૂળું થડકી,
બારણાં ખુલ્લાં ભાળી વહુ સૌથી પહેલાં ભડકી !

"આંગળિયુંના સોગન વહુ કે' સાંકળ મેં વાંસેલી,
અકબંધ પટારા, પેટી, પૈસા, ખીલી નથી ખરેલી.
( હોત ગયું કૈં, પોટલાં સોંતી પીયર જાત મેલી! )
કેમ ભૂલો બા ! બંધ દ્વારો રોજ ચકાસો અડકી."

"સસરા તારા ખરરાટમાં છત ઊંચી લે આખી,
રડે વચેટ ઊંઘમાં, 'દોડો, સિંહને કરડી માખી,'
બજર લેવા ઊઠતાં રાતે મેંય નજર ના નાખી,
હાથ સાંકળને આવ્યા કે શું ? જાય કલેજુ ધડકી".

આંખ ચોળતાં ઊઠી, નનકી શમણાને કરકોલે,
"ગરબે રમતાં રાત ઢળી નવ દ્વારો કોઈ ખોલે.
થાકી દેતા સાદ અમે સૌ, સૈયર મેણાં બોલે,
સૂઇ ગૈ ફરી હુંજ ઊઠીને, ખોલી દૈને ખડકી."

'વિશ્રામ' : ઓગષ્ટ – ૧૯૯૭


0 comments


Leave comment