65 - સોળ વરસની સુંદરતા / તુષાર શુક્લ


સોળ વરસની સુંદરતા
તું સાડત્રીસને શોધે

પ્રેમ તો એનો એ જ છે, તું
અણસમજણમાં અવરોધે

પહેલાં, વાતો કેરાં ઝરણાં
વહેતાં’તાં વણ થંભ્યાં
આજ હવે એ કલકલતાં જળ
ક્યાં જઇને રે જંપ્યાં?
આંખ તો એની એ જ, હજી યે
પ્રેમ છલકતું હસતી
તો ય તે કેવું જીવતાં આપણ,
ઓટમાં શોધીએ ભરતી
પ્રેમ છલકતાં ગીતને સ્થાને
તું ય હિસાબો નોંધે

વાત કર્યા વીણ દિવસ વીતતો
નયન મળ્યાં વીણ રાતો
આજ હવે આ આપણી વચ્ચે
શબ્દ ફરે સંતાતો
ચહેરાની સુંદરતા ભૂલી
નજર ચાંદલો નોંધે
તારા હોવા તણો પૂરાવો
કંકુમાં શું શોધે?

કાન ઝંખતા, ક્યારે પાછો
‘રાણી’ કહી સંબોધે


0 comments


Leave comment