66 - આયનાની ધરતીમાં હું પદના બીજ અમે વાવ્યાં / તુષાર શુક્લ


આયનાની ધરતીમાં હું પદનાં બીજ અમે વાવ્યાં
હો રાજ, હું પદ ઝાકમ ઝોળ
અમે ભવભવાં ભેરુબંધ પામ્યાં
હો રાજ, હું પદ ઝાકમ ઝોળ
દિવસે વધે ને રાતે હસે
એનું મબલખ મબલખ હોવું
ડૂંડે વસે, સ્હેજ અડતાં ડસે, એનું ઝગમગ ઝગમગ હોવું
ધન ધન ‘આયનામાં’ પૂજાય
હો રાજ હું પદ ઝાકમ ઝોળ
એક સવારે; ફટાક દઇને ફૂટ્યાં
છૂટ્યાં ‘હું’ ‘હું’નાં અસવાર
સંબંધોનાં કોશેટોની રોહ ન એને લગાર
એણે લાગણીનાં કીધાં ભેલાણ, મોરી માત
હું પદ ઝાકમ ઝોળ
ઓસરીમાં, ફળિયામાં, સીમમાં ને હોવામાં
હું પદનાં ટોળાની ભીડ
લીલાંછમ સોણલાંનાં ધોરિયા સૂકાય,
જુઓ ખેતરમાં ઉતર્યા છે તીડ
જેને પાળી પંપાળીને પોષ્યાં
હો રાજ, હું પદ ઝાકમ ઝોળ
હું પદના રાફડામાં વાલ્મિક અમે
કે અમને રામાયણ લખવાની ચીડ
અમે ઓળખીએ પોતીકી પીડ
મારું આ મારું આ મારું જ છે
હો રાજ, હું પદ ઝાકમ ઝોળ
તારું પણ મારું, બસ મારું જ છે
હો રાજ, હું પદ ઝાકમ ઝોળ


0 comments


Leave comment