67 - દર્પણથી અમથી ના પ્રીત મોરી સૈયર / તુષાર શુક્લ


દર્પણથી અમથી ના પ્રીત મોરી સૈયર,
દર્પણ તો હોવાનું નામ
આંખ્યુંમાં અમથું ના ગીત મોરી સૈયર,
દર્પણ તો આંખ્યુંનો જામ.

માળા તૂટે તો અલી, મણકા કહેવાય,
અને માળો વીંખાય ત્યારે સળીઓ.
માણસ વેરાય ત્યારે ઝંખના મળે
અને ક્યારાનું કોળવું તે કળીઓ,
પણ આયનો એકાદો ય તૂટી જાતાં તો સખી,
વસી જાય આયનાનું ગામ.

પલ પલમાં બદલાતાં સંગના ઉમંગ, સખી
સંબંધાવું ત એક પાપ,
દર્પણની દુનિયામાં ‘હું’ની સુવાસ, સખી
દર્પણ તો આંધળાનો શાપ
આયનો તો ઓરડાની ગંગા, સૈયર મોરી
આયનો તો પાળિયાનું ધામ.


0 comments


Leave comment