69 - જમુનાજીના જળ છે ક્હાના, મારી આંખના પાણી / તુષાર શુક્લ


જમુનાજીના જળ છે કહાના, મારી આંખનાં પાણી
કદંબશો કાંઠે ઊભો તું, તો ય શકું ના તાણી
મારી પ્રીત શક્યો ના જાણી.

બંસી નાદે ઘેલી બનતી
દોડી દોડી આવું
પિયુદર્શનની ઝંખના મારી
ધેનુ તણું તો બ્હાનું
હૈયા કેરાં હેતની વ્હાલમ વરત્યોના એંધાણી
મારી પ્રીત શક્યો ના જાણી.

કાંકરી એકની આશમાં પ્રીતમ
જળ જમુનાના જાતી
‘ઉલેચવી શું નદી તમારે?’
સાસ મ્હેણાં ખાતી.
ભવની કોરી ચૂંદડી કહાના કેમે ના રંગાણી
મારી પ્રીત શક્યો ના જાણી!

રેઢાં મારાં ગોરસ કહાના
નીચાં મારાં શીકાં
દ્વાર મૂક્યાં છે ખુલ્લાં મેં તો
શાને રે’વું બીતા?
લાજની માર તરસી રહું, ને વ્રજ લૂંટી ગ્યું લ્હાણી
મારી પ્રીત શક્યો ના જાણી.


0 comments


Leave comment