70 - માધવ લખે તો સખી, કેવું લખે ? તુષાર શુક્લ


માધવ લખે તો સખી, કેવું લખે?
એમાં શબ્દો હશે કે હશે સૂર?
ખોલું? ન ખોલું? હું શું રે કરું?
એમાં ટીપાં હશે કે હશે પૂર?

ઓધાજી લાવ્યા છે માધવનું મોરપિચ્છ
દ્વારિકાથી ઠે.....ઠ મધુવનમાં
સોનાના ભાર છતાં સાચવ્યું હશે શું અલી,
ગોકુળિયું ગામ એને મનમાં?
હૈયું ને હાથ બેઉ જૂદું કહે છે
સખી, કોને કહું કે “સબૂર”.

સપનાઓ, આંખમાંથી આઘા રહો
ને મારી ઝંખનાઓ, રહેજો સૂદુર
મળવાના ઓરતાઓ, કોરે રહીને તમે
અમે લખ્યું હોય કે, “ઝૂર”
ના ના ના ના છે મુને જમુનાના સમ ઓ સખી,
શામળિયો એવો ન ક્રૂર.

માધવ લખે તો સખી કેવું લખે?
એમાં શબ્દો હશે કે સૂર?
સાચું હશે કે હશે સપનાની વાત?
એમાં ટીપાં હશે કે હશે પૂર?


0 comments


Leave comment