71 - આંખોમાં દરિયો ને મુઠ્ઠીમાં રેત લઇ / તુષાર શુક્લ


આંખોમાં દરિયો ને મુઠ્ઠીમાં રેત લઇ
જીવવું એ કોરો સંતાપ
આપી સકે તો શામ, સઘળું લઇ લે
ને મને સૂરજમુખીનું સુખ આપ

ટહુકાને અંકાશી સપનાં આવે
ને મારા પગલાંને વેળુથી પ્રીત
કમખામાં ઊડવાનાં અવગતિયા ઓરતા
ને હોઠો પર ઝાકળિયું ગીત
મારા જીવતરને વહેવાની ઝંખના મળી
ને મારા અંગૂઠે ઠોકરનો શાપ

વાસંતી લ્હેરખીની પાંખો કપાઇ ત્યારે
મબલખ ચોમાસા શું રોઇ’તી
શમણાં ને ડૂસકાંની ભાષાનો ભેદ
અલી, સમજ્યો સમજાય નહીં કોઇથી.
અમે હૈયામાં હેત તણી મોઘમ મીઠાશ લઇ
વ્રજમાં જન્મયા તે કોઇ પાપ?


0 comments


Leave comment