72 - તારા આ ડૂસકામાં ડૂમાતું વ્હાણ / તુષાર શુક્લ
તારા આ ડૂસકામાં ડૂબાતું વ્હાણ
અને તો યે આ દરિયો અજાણ
અલી ખારવણ, ખારવા તો પંખીના જાત.
હિબકે હિબકાતું આ હૈયું, સમાલ બેલી
સઢને છે વાયરાની તાણ,
અલી ખારવણ, ખારવા તો પંખીની જાત.
મીઠપના ઓરતાનો ખારો વતાર
એને ઉછળતા મોજાં શું પ્રીત
કાંઠાની દુનિયામાં પળના મુકામ
એને હૈયે મધદરિયાનાં ગીત
વેળુમાં ચીતરેલા સપના, સમાલ બેલી
ભરતીના વ્હેણ ને પીછાણ
અલી ખારવણ, ખારવા તો પંખીની જાત
આંખોમાં આંજ્યો તેં દરિયો બેફામ
અને રૂંવાડે માછલીનું ગામ
ઉબર પર જીવવાનું માંગી લીધું
તે હવે હોવું તો ઝંખનાનું નામ
છાતીમાં મ્હેક મ્હેક ખારી સુવાસ, બેલી
ઓશિકે ઓછળે તોફાન
અલી ખારવણ, ખારવા તો પંખીની જાત
વાયરાનાં વાયદાનો કીધો વિશ્વાસ, બેલી
પરવાળે બાંધ્યા મકાન
અલી ખારવણ, ખારવા તો પંખીની જાત.
0 comments
Leave comment