14 - બહાનું થઈ ગયું / ગની દહીંવાલા
એક વેળા આપને જોયાં બહાનું થઈ ગયું,
મારા માટે આ જગત તસ્વીર ખાનું થઈ ગયું.
ભાવનાશાળી હૃદય કારણ વ્યથાનું થઈ ગયું.
મહેલમાં વસવાટ, કંટક બિછાનું થઈ ગયું.
આપનો નાહકનો મિથ્યા ગર્વ પોષાઈ ગયો,
હાથથી કુદરતના એક સર્જન કળાનું થઈ ગયું.
કોઈને સંધ્યા સમે સત્કારતાં દિલ કહી ઊઠ્યું,
આગમન શું આજ પશ્ચિમથી ઉષાનું થઈ ગયું ?
એ જવાનીનાં નશાની આંખમાં લાલી હતી,
નામ ત્યાં બદનામ નાહક સુરાનું થઈ ગયું.
ભાગ્ય-છાયા પર કિરણ પુરુષાર્થનાં જ્યારે પડ્યાં,
રાતનો અંધાર અજવાળું ઉષાનું થઈ ગયું.
જિંદગી એવા ય શ્વાસો લઈ જીવ્યો છું ‘ગની’
કૈંક વેળા આ જગત મારા વિનાનું થઈ ગયું.
0 comments
Leave comment