15 - મારા નિવેદનથી / ગની દહીંવાલા


હતી શી આશ મુજ દુર્જનને બીજી આપ સજ્જનથી,
મને મારી તમે જીવી રહ્યા છો મારા જીવનથી.

તમે જાઓ તો પગલાં પણ તમારાં ભૂંસતાં જાઓ,
જગતને ટેવ છે, પગલાં ભારે છે માર્ગદર્શનથી.

મને બોલાવનારા ! બોલ, તારો શો ઈરાદો છે ?
ઉરે છે આગ; જગ સળગી જશે મારા નિવેદનથી.

પ્રહારો નિત્યના ઝીલી વધી મારી સહનશક્તિ,
ન મિત્રોથી મળે એ લાભ મેં લીધો છે દુશ્મનથી.

બુઝેલા કૈંકના ઉર-દીપકો સળગી જશે આજે,
હું દીપક રાગ છેડું છું હૃદયના મંજૂ વાદનથી.

તમન્ના છે હૃદયમાં તો સકલ સૃષ્ટિ ચરણમાં છે,
અમારી જિંદગી સમૃદ્ધ છે આ અલ્પ સાધનથી.

‘ગની’, મારી કવિતાઓ જ છે જીવનની સંપત્તિ,
થયાં છે પ્રાપ્ત મરજીવાને મોટી ખૂબ મંથનથી.


0 comments


Leave comment