18 - સિતારાનાં સુમન / ગની દહીંવાલા


કોઈને અર્ઘ્ય ધરવાને સિતારાનાં સુમન લઈ લે !
વિહરતી કલ્પના, થોડું ધરા માટે ગગન લઈ લે !

તમન્ના હોય દરિયો પી જવાની તો ફળી જાશે,
જરા દૃષ્ટિને સાગરમાં ઝબોળી આચમન લઈ લે !

વિચારો આપના છે ક્ષેત્ર મારી કલ્પનાઓનું,
ગગન અવકાશ આપી દે, વિહંગો ઉડ્ડયન લઈ લે !

થતાં ચાલ્યાં જગે સૌ રૂપવન્તાં દૂર સદગુણથી,
હવે ઉપવન મહીં પણ સ્થાન કંટકનું સુમન લઈ લે !

હૃદય ! જો હેડકી આવી, ફરી એ યાદ આવ્યાં છે,
મનોમન વાત કર, પુન: આવવા માટે વચન લઈ લે !

હશે છે પુષ્પ કિન્તુ, છે કળી ખામોશ એ રીતે :
વિના કારણ અબોલા જે રીતે કોઈ સ્વજન લઈ લે.

છુપાયેલા કણેકણમાં અહીં છે મારા સિજદાઓ,
ઉપાડી ધરતીને આકાશમાં સઘળાં નમન લઈ લે !

વળી છે આજ જંગલની તરફ દીવાનગી મારી,
ખભે નિજ જર્જરિત પાલવને ઓ વેરાન વન લઈ લે !

ગઈ છે જિંદગાનીનાં અતલ ઊંડાણમાં દૃષ્ટિ,
‘ગની’, આજે કવન માટે વિષય કોઈ ગહન લઈ લે !


0 comments


Leave comment