19 - કિનારા પર / ગની દહીંવાલા


સદા ચાલ્યા કરે છે શ્વાસ કોઈના ઇશારા પર,
જીવન જીવી રહ્યો છું કેટલા નાજુક સહારા પર !

મળ્યું વ્યાકુળ હૃદય તેમાંય ચિનગારી મહોબ્બતની,
જીવનદાતા ! મૂકી દીધી ખરેખર આગ પારા પર.

કવિ છું, વિશ્વની સાથે રહ્યો સબંધ એ મારો,
હસે છે એ સદા મુજ પર, રડું છું, એ બિચારા પર.

હૃદય સમ રાહબર આગળ ને પાછળ કૂચ જીવનની,
તમન્નાઓ મને ઠરવા નથી દેતી ઉતારા પર.

અષાઢી વાદળો ! મુજ આંગણે વરસો ન આ વરસે,
વરસવું હોય તો વરસો મને તરસાવનારા પર.

જીવન-સાગરમાં તોફાનોની મોજ માણો ભરદરિયે,
‘ગની’, ડૂબી જશે, અગર નૌકા આવી કિનારા પર.
******
બહુ સહેલાઈથી કષ્ટો મને આપ્યાં છે દુનિયાએ,
બહુ મુશ્કેલીએ તારી નિકટ આવી શક્યો છું હું.0 comments


Leave comment