23 - હાય શું થયું ? / ગની દહીંવાલા


દિલ દર્દથી ધરાઈ ગયું, હાય શું થયું ?
દુઃખનું ગળું કપાઈ ગયું, હાય શું થયું ?

પ્હેલો પ્રસંગ છે કે હૃદય આજ ગાય છે !
ભયમાં જીવન મુકાઈ ગયું, હાય શું થયું ?

આ બદનસીબ આંખ, આ ગોઝારું જાગરણ,
રજનીથી પણ રડાય ગયું, હાય શું થયું ?

જ્વાળારૂપી જીવનની ઉપર જગનું સાંત્વન –
વાયુ બનીને વાઈ ગયું, હાય શું થયું ?

એકાંતમાં જઈને રહ્યો એ દુઃખે તો હું,
વાતાવરણ છવાઈ ગયું, હાય શું થયું ?

આવો હવે ગણાય છે એકાંતની પળો,
આખું ગગન ગણાઈ ગયું, હાય શું થયું ?

ઊંડાણમાં હૃદયના તપાસી જૂઓ ‘ગની’
પાછું કવન રચાઈ ગયું, આય શું થયું ?


0 comments


Leave comment