25 - ખલાસીને / ગની દહીંવાલા


માર હલેસાં માર , ખલાસી !
    માર હલેસાં માર,
નાવને પાર ઉતાર, ખલાસી !
    માર હલેસાં માર.

જો સામે વિકરાળ વમળ છે,
કાળ સમું તોફાન પ્રબળ છે,
જ્યાં ઊભો ત્યાં ઊંડાં જળ છે,
    નાવડી ના લંગાર ,
    ખલાસી !…

તારું પાણી બતાવ ગગનને,
દે લપડાક વિરોધી પવનને,
હોડમાં મૂકજે તારા જીવનને,
    મૃત્યુને પડકાર,
    ખલાસી !...

લક્ષ્ય ઉપર દે દૃષ્ટિ બાંધી,
શ્રદ્ધાનો સઢ લેજે સાંધી,
જો સામેથી આવે આંધી,
    વીજ કરે ચમકાર,
    ખલાસી !…

આજ ભલેને તારી હોડી
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી,
    એ જ ઊતરશે પાર,
    ખલાસી !…0 comments


Leave comment