8 - શીર્ષક : હજી નક્કી નથી / પોલિટેકનિક / મહેન્દ્રસિંહ પરમાર


કહેનાર : નવ્ય ગુજરાતી વાર્તાકાર
મહેન્દ્રસિંહ પરમાર

સુ.જો.સા.ફો. યાની મહેફિલેફેસાનેગુયાન સભા પચ્ચીસમી

[ ડિસ્ક્લેઈમર : (જો બનતી હોય તો) વાર્તાના કથકથી માંડીને બધા જ પાત્રો વાસ્તવિક લાગે એટલાં કાલ્પનિક છે ને બધાં જ જીવતાં-મરેલાં માણસો કાલ્પનિક લાગે એટલાં વાસ્તવિક છે. કોઈએ મનગમતી પાઘડી જાતે પહેરી લેવી નહીં.]

  સુ.જો.સા.ફો.ના વાર્તામંડળમાં વાર્તા વાંચવા માટે નિમંત્રણ મળ્યું ત્યારે નવ્ય ગુજરાતી વાર્તાકારે હા તો પાડી દીધી. વાર્તાકાર ‘પડશે એવા દેવાશે’ના મનસૂબા સાથે ઉચક જીવે બધા વાર્તાકારો માટે ભાવનગરી ગાંઠિયા લઈને પહોંચી ગયો, વાર્તા નહીં લખાય તો ગુજરાતના વાર્તાકારોને ગાંઠિયા ખવરાવ્યાનું પુન્ય રળાશે –એટલા – આધ્યાત્મિક આશ્વાસન સાથે.

  કેડિલાના એ.સી. ગેસ્ટહાઉસમાં ચોખંડાકારે ખુરશીઓમાં નવ્ય-જૂન્ય વાર્તાકારો ગોઠવાયેલા ને પચ્ચીસમી શિબિરનું વિધિવત્ વ્યાખ્યાનરૂપે ઉદ્ઘાટન થયેલું. સંચાલકે શિબિરમાં આવેલા વાર્તાકારોનાં નામની ચિઠ્ઠીઓ બનાવી ત્યારે નવ્ય ગુજરાતી વાર્તાકારે પોતાનું નામ બીજા દિવસ માટે બાકી રાખવા સંચાલકને વીનાવેલા. સંચાલકે સૂચક સ્મિત સાથે એની વિનંતી ગ્રાહ્ય રાખેલી. પછી વાર્તા વાંચનનો દોર શરૂ થયેલો. મહેફિલના માસ્ટર્સ, ગ્રાન્ડ માસ્ટર્સ ને પાર્ટિસિપન્ટ્સ વાર્તા વંચાઈ ગયા પછી જે ચર્ચાઓ કરે એમાં નવ્ય ગુજરાતી વાર્તાકારને મજા ય પડતી ને મૂંઝવણે ય થતી. વકાસેલા મોંએ ‘તાત્વિક’ અને ‘તટસ્થ’ ચર્ચાઓ સાંભળતા એનો આત્મવિશ્વાસ બે-ત્રણ માથોડાં પાણીમાં ઊંડે ડૂબતો રહેલો. પોતાની વાર્તા વિશેની જનોઈવઢ ને કરપીણ ટીકાઓ ઝીલતા ને લોહીનીંગળતી હાલતે પણ પોતે આ બધું સ્વીકારે છે એવો ડોળ કરતા વાર્તાકારોના હૃદયમાં પેસવાનું નવ્ય ગુજરાતી વાર્તાકારને બહુયે મન થયેલું. પણ એવું થવું શક્ય નહોતું એટલે કાન વાર્તાઓમાં પરોવી એની આંખ ચરાણે નીકળતી. ગેસ્ટહાઉસની દીવાલો ઉપર જાતભાતના પોસ્ટર્સ લગાડેલા હતાં. ‘COME, LET’S THINK DIFFeReNTLY’ વાળાં પોસ્ટરમાં બંને e ને આંખમાં ફેરવી નાખતા ચિત્રકારે Zydus Cadila નું સૂત્ર ‘DEDICATED TO LIFE’ લખેલું. બન્ને e ની આંખોમાં કાન બનાવી એણે ચર્ચાઓમાં ચિત્ત પરોવવા પ્રયત્ન કરેલો. ગ્રાન્ડ માસ્તર ફોકલ પોઈન્ટને સિંગલ ઈફેક્ટની વાત કરતા હતા તો બીજા માસ્ટર નરેટિવ સ્ટ્રક્ચરની આંટીઘૂંટીઓ ‘એક્સપ્લેઈન’ કરતા હતા. ત્રીજા માસ્ટર કલ્ચરની વાત કરતા હતા. સ્ટ્રક્ચર-કલ્ચર-કલ્ચર-સ્ટ્રક્ચરનો કચરો નવ્ય ગુજરાતી વાર્તાકારના મનમાં ઘૂમરાતો હતો. ‘ખેમીનો પુનરાવતાર’ વાર્તા વંચાઈ ને પછી જે જામી છે ! વાર્તા વાચનાર બાપડો રહ્યો એક બાજુ ને જૂની વાર્તાના આવા REMAKE ની સાભિપ્રાયતા વિશે-વાર્તાની મૂળ લંબાઈ કરતાં ત્રણ ગણી ચર્ચા ચાલી. સંસ્કૃત કાવ્યશાસ્ત્રી માસ્ટરે આખા દિવસમાં વંચાયેલી વાર્તાઓ વિશે ‘પવિત્ર નિરાશા’ વ્યક્ત કરી. લખાતી વાર્તાઓનાં સરેરાશપણા વિશે લવણમાં બોળ્યા વગરનો ચાબખો મારીને એમણે પ્રશ્ન કરેલો કે ક્યાં છે તળ ભેદતી ગુજરાતી ટૂંકવાર્તા ?

  ત્યાં તો નવ્ય ગુજરાતી વાર્તાકારના તેત્રીસ કરોડ રૂંવાડાં સા...ડ સા...ડ કરતાં બેઠાં થઈ ગયાં ! ‘લખી નાખું.... લખી નાખું’ કરતાં’, તા’માં ને તા’માં આખી રાત જાગીને એણે નવી વાર્તા લખી નાખી. વાર્તાનું તળ ભેદાશે કે એનું શિર છેદાશે – એની અવઢવમાં બીજા દિવસે પણ એણે વારો પાછો ઠેલ્યા કર્યો. પણ વાર્તાવાંચનનું પાણી હવે એના ગળા સુધી આવી ગયેલું. એનું નામ બોલાયું એટલે રાતે લખેલી વાર્તાનું ફીંડલું હાથમાં લઈ એ વાર્તાવાચક માટે ખાસ રાખવામાં આવેલી ખુરશીમાં જઈને બેઠો. દિવાળી મેળાના ‘ટોરા ટોરા’માં બેસતી વખતે સલામતી માટે લોખંડનો હાથો બંધ થાય પછી ગમે એટલા ચક્કર-ભમ્મર ફરો, વાંધો ન આવે. આ ખુરશી પણ એવી જ હતી. લાકડાનું ફોલ્ડિંગ અડધિયું ટેકો લેવા માટે પેટ પાસે મૂકી શકાય. ત્યાં અમળાયેલાં પાનાં રાખી નવ્ય ગુજરાતી વાર્તાકારે અંદર-બહાર, ઉપર-નીચે ડબકાં ખાતાં વાર્તા પૂરી કરી. એક લાંબો શ્વાસ લઈ સાંભળનારાઓ તરફ નજર કરી. વાર્તા વાંચતી વખતે પણ અવાર-નવાર એ સાંભળનારાઓના પ્રતિભાવો નોંધતો રહેલો. પૂરી કર્યા પછી એને લાગ્યું કે પોતે દોઢ દિવસથી નકામો ગભરાતો હતો. વાર્તા તો કેવી સરળતાથી વંચાઈ રહી ! જો કે, એણે ‘સુ.જો.સા.ફો. યાની મહેફિલેફેસાનગુયાન’ – એવું શીર્ષક કહ્યું કે તરત એક માસ્ટર બોલેલા : ‘આ તો રામનારાયણ પાઠકનું નરેટિવ સ્ટ્રક્ચર ! કાલે હજી ખેમીના નવા અવતારની અફડાતફડી થઈ છે ત્યાં આ નવ્ય વાર્તાકાર વળી આ શું ગતકડું લાવ્યા ?’
  - નવ્ય ગુજરાતી વાર્તાકારે નમ્રાતિનમ્ર સ્વરે વિનંતી કરેલી : ‘હું વાર્તા વાંચી લઉં ત્યાં સુધી કમેન્ટ ન થાય તો સારું. મારી રીધમ તૂટી જશે ને વાર્તાની સિંગલ ઈફેક્ટ પણ નહીં જળવાય. પ્લીઝ.’
  - ‘ઓ.કે. પ્લીઝ કેરી ઓન’
  ... અને એમ વાર્તાનું કન્સીવ થયેલું !- ગાડું કેરી થયું ને કેડીલાના ખૂંટે નવ્ય ગુજરાતી વાર્તાકારે–આગળ કહ્યું તેમ–બળદ છોડ્યા ! સાંભળનારાઓ ઉપર સિંગલ ઈફેક્ટ થઈ કે મલ્ટીપલ–એ જોવા નવ્ય ગુજરાતી વાર્તાકારે પૃચ્છકભાવે ગ્રાન્ડ માસ્ટર, માસ્ટર–૧. માસ્ટર–૨, સેમી માસ્ટર ને સાથી રાઈટર્સ સામે આતુર અને દયામણી – ડબલ નજરે જોયું. નજરો મળવાની એ ક્ષણે એ.સી. મશીનના નજીવા ઘૂરકાટ સિવાય સાવ શાંતિ છવાઈ ગઈ. પછી વન ઓફ ધી બોલકા માસ્ટર ઉવાચ :

  ‘હમ્... થીમ તો જાણીતું છે. બાપ-દીકરાના તણાવભર્યા સંબંધોનું કથાનક કંઈ નવું નથી. આ નવા વાર્તાકારે જેમના સ્ટ્રક્ચરમાં લખવા ધાર્યું એ ‘દ્વિરેફ’ની ‘મુકુંદરાય’ તો છે જ. પણ એ વાર્તામાં તો લેખકનું સ્થાન પૂર્વનિશ્ચિત રૂપમાં બાપા રઘનાથ ભટ્ટ સાથે હતું. બાપ-દીકરા વચ્ચેના સંબંધોની બાર-તેર વાર્તાઓ અને બાપા વિશેના નિબંધોના સહવર્તી-પરવર્તી સંદર્ભોમાં બોલકા માસ્ટરની ટિપ્પણી બણબણવા લાગી એટલે નવ્ય ગુજરાતી વાર્તાકારે અત્યંત વિનીત સ્વરે પૂછ્યું : ‘આપણે મેં વાંચી એ વાર્તા ‘બને’ છે કે નહીં એની ચર્ચા કરીએ તો કેવું ?’

  બોલકણા માસ્ટર મૂંગા થઈ ગયા પણ બીજા સેમી સેમી માસ્ટરોનો મારો ચાલ્યો.
  ‘નથી બનતી. નથી જ બનતી. ક્યાંય વાર્તા નથી બનતી. એક ફિસ્સો પ્રસંગ માત્ર બન્યો છે. વાર્તાનું કમઠાણ જ નથી રચી શકાયું. વાર્તા પૂરી કરતા નથી આવડ્યું. આખું કમઠાણ તમે સંકેલો ત્યારે જ ખરી કસોટી થતી હોય છે.’

  ઘડીકમાં તો ‘બને છે’, ‘નથી બનતી’નો દેકારો એવો મચી ગયો કે નવ્ય ગુજરાતી વાર્તાકાર છેલ્લું તરણું ઝાલતો હોય એમ બાજુમાં બેઠલા ગ્રાન્ડ માસ્ટર તરફ જોઈ રહ્યો. જાણે એના જોવાની જ રાહ જોતા હોય એમ ગ્રાન્ડ માસ્ટરે મૂંઝાયેલા અર્જુનના રથની રાશ પકડી –
  ‘બધા ભલે જે કહે તે, પણ વાર્તા તો બને છે. વાર્તાની ક્ષણ તમે બરાબર પકડી છે. ખાસ કરીને વાર્તાનો ટેઈક ઑફ સરસ થયો છે. આપણે અહીં બે દિવસથી આપણું સર્જન Life ને dedicate કરવાની વાતો કરીએ છીએ. આ નવા વાર્તાકારે તો Death ના છેડેથી Life ને ઉકેલી. પિતા-પુત્રના સંબંધનો બહુ જ સંકુલ છેડો... શું નામ છે બાપાનું ?’

  ... ગ્રાન્ડ માસ્ટર નામ ભૂલી ગયેલા પણ બીજા બે વાર્તાકારોને બરાબર યાદ રહી ગયેલું.
  ‘બાપાનું નામ કુમારભાઈ. છોકરાનું નામ કશ્યપ.’

  નવ્ય ગુજરાતી વાર્તાકારે થેંક્સસૂચક દૃષ્ટિ કરી ગ્રાન્ડ માસ્ટર તરફ જોયું :
  - ‘મુકુંદરાય’ વાર્તાના રઘનાથ ભટ્ટે નખ્ખોદ માંગ્યું ત્યારે આ વાર્તાના કુમારભાઈ તો ભારે રિસાળવા નીકળ્યા. એકના એક દીકરાના હાથે અગ્નિસંસ્કાર ન ખમવો પડે એટલે વીલ લખીને મેડિકલ કૉલેજમાં દેહદાન કરી દીધું. જે કૉલેજમાં ફર્સ્ટ ઈયરમાં છોકરો ભણતો હતો એ જ કૉલેજમાં દેહદાન થયેલા બાપાનો દેહ ટેબલ પર ચીરવાની નોબત કશ્યપની આવી. થ્રીલીંગ મોમેન્ટ તો એ છે કે ઉત્સાહી ક્લાસમેટ્સની સાથે ડિસેક્શન કરતા કશ્યપના કેન્દ્રથી બાપાના અંગઉપાંગો સાથે જોડાયેલી તણાવભરી કથાઓ વાર્તાકારે ગૂંથી લીધી. એમાં સમયનું પરિમાણ પણ નવા વાર્તાકાર બરાબર ‘હેન્ડલ’ કરી શક્યા છે. મારો પ્રશ્ન એ છે કે છોકરો જ્યાં દાક્તરીનું ભણતો હોય ત્યાં જ પોતાના દેહનું દાન કરવા માટેનું કારણ વાર્તાકારે ઢાંકી રાખ્યું છે. એટલું તો એણે લોજિકલી કહેવું જોઈએ કે નહીં ? એમ.’

  નવ ગુજરાતી વાર્તાકાર ફરી મૂંઝાયો. ‘હવે આમને શું કહેવું?’ પણ ત્યાં તો બીજા માસ્ટરે ટકોર કરી : ‘ના સાહેબ મારું ધ્યાન બરાબર હતું. તમે ઝોલું ખાઈ ગયેલા ત્યારે એ આવી જ ગયું છે. કુમારભાઈ ગામની ઉત્તમ નિશાળના ઉત્તમ આચાર્ય છે ને પાંચ દીકરીઓ પછી આવેલા એકના એક કશ્યપને સ્વાભાવિક રીતે જ બહુ લાડ લડાવ્યા છે. મોંએ ચડાવેલો છોકરો પછી વંઠયો. કંપની થોડી ફરી ગઈને મહાન શિક્ષણશાસ્ત્રીના ઘરમાં જ મોટી કઠણાઈ ઊભી થઈ. કશ્યપની માનો પણ એમાં ઘણો ફાળો. ઘરમાં ગાળો બોલવી, આમલેટો બનાવીને ખાવી, ક્યારેક દારુ લાવીને ઢીંચવો... પપ્પાની સામે જ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર બેઠો ને આખા ગામમાં કુમારભાઈનો ફજેતો થયો. ‘દીવા પાછળ અંધારું’ના દાખલા દેવાયા. પાછો મેડિકલ લાઈનમાં જાય એવો હોશિયાર હોવાનો તાંતણો પણ નવા વાર્તાકારે ગૂંથ્યો જ છે. એ આંગતુક ન લાગે એટલી હદે વાર્તામાં ઓગળ્યો પણ છે. છોકરો તો પપ્પાના વીલની એસી તેસી કરીને સ્મશાને લઈ જઈ સળગાવી દેવા તૈયાર થયેલો પણ એના કાકાની સમજાવટના કારણે દેહદાન થઈ શક્યું.’

  -નવ્ય ગુજરાતી વાર્તાકાર તો ભાવવિભોર જ થઈ ગયો. એની વાર્તાનો આટલો મોટો ભાગ માસ્ટરને યાદ રહી ગયો. એ વાતે એને માસ્ટર પર અને પોતાની વાર્તાકળા પર ગૌરવ ‘થવું થવું’ થતું’તું ત્યાં એ જ મદદે આવેલા માસ્ટરે નવ્ય ગુજરાતી વાર્તાકારને કહ્યું :
  ‘પણ ભઈલા, તમારે મેડિકલ કોલેજનાં ડિસેક્શનરૂમવાળું ફરી વાંચવું પડશે. એ ભાગમાં હજી ઘણી શક્યતા દેખાય છે. એટલો પેરેગ્રાફ જરા ફરી વાંચશો ?’
  ‘જી. સર.’ નવ્ય ગુજરાતી વાર્તાકાર ફરી ગળું ખોંખારી વાંચે છે :
  ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.ના બોમન ઈરાની જેવો કોલેજનો ડીન. ફરતે ફર્સ્ટ ઈયરના વિદ્યાર્થીઓ. કશ્યપનું કાળજું ધકધકધડકધડક. ટેબલ પર મૂકેલા દેહ પરથી ડીન જાદુગરની અદાથી કપડું હટાવે છે. કશ્યપને પરસેવો છૂટે છે. છોકરાઓને તો હોસ્ટેલની મેસમાં ફીસ્ટ મળવા જેવો આનંદ હોય ડેડબોડી આવે ત્યારે. દાક્તર થવાનું સ્વપ્નું પૂરું કરવાનું જાણે પહેલું પગથિયું ! હાર્ટનું ફંક્શન તપાસતાં આજે તો ફિલોસોફી પણ ચમકી :

  ‘સાલું’ ડેડબોડી તો સમજીએ છીએ પણ આ જ ડેડબોડીમાં લાઈફ હોય ત્યારે આનું જ આ જ શરીર કેટલું રહસ્યમય થઈ જાય છે !’ ટેબલ પર પડેલા પપ્પાનાં બોડી સામે જ ઉચ્ચારાયેલા આ શબ્દો અને પપ્પા સાથેનાં એનાં તણાવભર્યા એન્કાઉન્ટર્સ સમાન્તરે ચાલતા હતા કશ્યપના મનમાં. છતાં તે તાડુક્યો.
  ‘આ મારા ડેડી છે. ડેડ બોડી નહીં.’
  ડે....ડી છે મારા.

  બોમનસરે હળવેથી કહ્યું : ‘ટેઈક ઈટ ઈઝી કશ્યપ. આ બોડીને કોઈ રિલેશન નથી. એ બોડી છે. સિમ્પલી, અ બોડી !’

  -આટલો અંશ ફરી વાંચ્યા પછી આગળની કથા વાંચવાની નવ્ય ગુજરાતી વાર્તાકારની દાનત હતી નહીં. એક-બે મિનિટના એનાં મૌન દરમિયાન બીજા શ્રોતા-વાર્તાકારે પૂંછડું ઝાલી લીધું :
  ‘ડીસેક્ટ થતાં શરીરની સમાંતરે છોકરાના એ શરીર સાથેનાં તાણભર્યા સંબંધના તાણાવાણા મજાની રીતે ઉપસ્યાં છે પણ વાર્તામાં કશ્યપની મમ્મી અને તેની બહેનવાળો ખૂણો વણખૂલ્યો રહી ગયો હોય એવું નથી લાગતું ?’

  -નવ્ય ગુજરાતી વાર્તાકાર કચકચાવીને જવાબ આપવાના મૂડમાં હતો ને હજી એના હોઠ ખૂલે એ પહેલા તો દક્ષિણ દિશાએથી વળી એક તીર સણસણતું આવ્યું. આખો વખત મૂંગામૂંગા કટાણે મોંએ ચર્ચા સાંભળતા એક જૈફ વાર્તાકારે ઊંચાનીચા હોઠ કરતાં, અત્યારે જ ફોજદારી કેસ કરવાના હોય એવા ભાવથી ખોખરા અવાજે તે તીર ફેંક્યું :
‘એ વાત તો ખરી. પણ એથી ય આગળ આ ભાઈએ જે જુગુપ્સક પ્રસંગો કહ્યા છે એની વાત કેમ કોઈ કરતું નથી ? સૌથી નાની નોકરિયાત બહેન પરણી નથી. પરણવાની પણ નથી. કશ્યપ કરતાં ઉંમરમાં આઠ વરસ મોટી છે. નાનાભાઈ સાથે એના રૂમમાં છાનગપતિયાં કરતી એને બાપાએ જ પકડી છે. બહેનને કશું કહેવાને બદલે બાપાએ કશ્યપને જ ઘર છોડવાની ધમકી આપી છે. આટલું તો હું બોલી શકું છું પણ હવેનું નથી કહી શકાતું. પણ ડેડીનાં ડેડબોડીને કારણે કૉલેજની એની બહેનપણી સાથેના અણબનાવનું કારણ કેટલું બિભત્સ છે ? આ આજકાલના ઊગીને ઊભા થતા છોકરડા વાર્તાકારને નૈતિક મૂલ્યોની તો કંઈ પડી જ નથી ! આવું અશ્લીલ લખાય ? ને પાછું આપણે અહીં ફોરમમાં એને વાંચવા દઈએ ? હું તો કહું છું હવેની સભામાં આવા છીછરા નવા લેખકોને પ્રવેશ જ ન મળવો જોઈએ ! આ આપણા કાન શું આવો કચરો ઠાલવાની કચરાપેટી છે ?’
  - ખલ્લાસ. એક સાથે બારતેર નવા-જૂના વાર્તાકારોનો કકળાટ અને કલબલાટ. વાર્તાસ્થળના પેલા Dedicated to life વાળાં બેનરને હમણાં તરાપ મારીને ઊતારી નાખશે એવા ભયથી નવ્ય ગુજરાતી વાર્તાકાર ફફડતો હતો ને પોતે જ અહીંથી નીકળી જવાની તૈયારી કરતો હતો ત્યાં વળી એક ચમત્કાર થયો. અંગ્રેજી સાહિત્યનું અગાધ નોલેજ ધરાવતા એક માસ્ટર, નવા બિચારા વાર્તાકારની વહારે આવ્યા :
‘મને પર્સનલી એમાં કશું વાંધાજનક નથી લાગતું. બહેનની બાયોલજિકલ નીડ અને છોકરાની ફૂટતી જવાનીનું કોમ્પલેક્ષ અને ઇન્ટરેસ્ટિંગ કન્ફ્રન્ટેશન આ યંગ રાઈટરે જે રીતે ડ્રો કર્યું છે તે તો આખી સ્ટોરીનો બહુ જ જરૂરી કોર્નર મને લાગે છે. રહી વાત કૉલેજની એની પ્રેમિકાની. તો એ એપિસોડમાં પણ મને તો કાંઈ મોરબીડ નથી લાગતું. ઈન્ટેલિજન્ટ છોકરાઓ તો આવાં તોફાનો કરતાં જ હોય છે ! એમાં આપણાં ઓલ્ડ ચેપ્સે નીતિનું ધોતિયું વચ્ચે લાવવાની જરૂર મને તો નથી લાગતી ! યંગમેન, તારે કંઈ કહેવું છે કે....’

  ‘ના સર...’ નવ્ય વાર્તાકારે બીતાંબીતાં જૈફ વાર્તાકાર સામે જોયું. ‘ત...ત. મે જ કંઈ કહેશો તો સારું થશે....’
  ‘Oka...y આઈ કેન અન્ડરસ્ટેન્ડ. હા, તો... આવા પ્રોફેશનલ કોર્સિસમાં બોલ્ડ કહેવાય એવાં તોફાનો તો થતાં રહેતાં હોય છે. છોકરા-છોકરીઓ કરી લેતાં હોય છે મજાક. છોકરી તો કશ્યપની શાર્પ ઈન્ટેલિજન્સથી ઈમ્પ્રેસ થઈ છે ને એનું ઈલુઈલુ તો લગ્ન સુધી પહોંચવાનું છે. કશ્યપને પણ છોકરી ગમે જ છે. એના ડેડી કરતાં પણ વધારે. ડેડીનું બોડી ડીસેક્ટ થતું ગયું તેમતેમ છોકરો નોર્મલ થતો ગયો છે પણ એના કેરેક્ટરને એમ્બીગ્યુઅસ કરવા રાઈટરે પેલી છોકરી પાસે તોફાન કરાવ્યું. કશ્યપનાં જન્મ માટે જવાબદાર એના ડેડીનું પેલું ઓર્ગન કાપીને છોકરીએ બિન્ધાસ્ત રીતે ઉછાળીને કશ્યપ ઉપર ફેંક્યું છે ને કશ્યપે અજાણતાં જ એનો કેચ કરી તો લીધો છે પણ પછી એનો મિજાજ છટક્યો છે ને એણે છોકરી સાથે બ્રેક-અપ કરવાનું નક્કી કર્યું છે. મારે વધારે લાઉડ થવાની જરૂર નથી. પણ આખો એપિસોડ ઘણો જ ઈન્ટરેસ્ટિંગ થયો છે. હેટ્સ ઓફ ટુ ધી યંગ રાઈટર, એણે બહુ જ સજેસ્ટિવલી હેન્ડલ કરી છે એ ઈવેન્ટ. કશ્યપના ડેડીની ડાયરીનું જકસ્ટાપોઝિશન કરીને આ નવો રાઈટર મેદાન મારે છે. વી મસ્ટ એપ્રિશિયેટ હીઝ આર્ટ. આફટરઓલ, એ પણ એક ચહેરો છે લાઈફનો !’

  નવું ગુજરાતી વાર્તાકાર તો ઇંગ્લિશ માસ્ટરની આવી અણધારી મદદથી લાલલાલ થઈ ગયો. પછી જૈફ વાર્તાકાર તો કંઈ બોલ્યા નહીં પણ સભાના સભ્યોએ ખુદ વાર્તાકારે નહીં ધારેલા ચાર-પાંચ વિસ્મયકારક અર્થ કરી બતાડ્યા. વાર્તાના અંત વિશે, એના ટોન વિશે, મલ્ટીપલ ટોન વિશે... એમ વિશે વિશે ઘણું કહેવાયું. સંસ્કૃત કાવ્યશાસ્ત્રી માસ્ટર હતા નહીં. અન્યથા, ગુજરાતી વાર્તાનાં સરેરાશપણાંની થોડી વધુ રમણીય ચિકિત્સા અને ગુજરાતી વાર્તા વિશેની નિસબતપૂર્ણ ચિંતા એમની જિહ્વાએથી સાંભળવા મળી હોત.

  ચર્ચા આખો દિવસ ચાલે એવો કાંકરીચાળો આ નવતર વાર્તાએ કરેલો. પણ સભા પૂરી થવાનો સમય તો ક્યારનો થઈ ગયો હતો. સામેનાં રસોડામાંથી આવતી મધરી સોડમ રસોઈઓ બે વાર બારણું ખોલી ડોકાઈ ગયેલો એની સાથે અંદર ફરી વળેલી ને પોણા ભાગના વાર્તાકારોનો જીવ ત્યાં ચોંટેલો તે સંચાલકના ધ્યાનમાં જ હતું એટલે એમણે સંકલન કરતાં કહ્યું : ‘છવ્વીસમી સભામાં આપણા નવા વાર્તાકાર એમની વાર્તા મઠારીને લાવે. ત્યારે આપણે ફરી ચર્ચા કરીશું. એટલું જ નહીં એમની આ વાર્તામાં શ્રોતા-વાર્તાકારોને જે સ્પેઈસ મળી છે એની શક્યતાઓ તપાસીને બીજા વાર્તાકારો પણ આ જ વિષયની વાર્તા લખી લાવશે તો મજા પડશે. જમવાનો વખત થઈ ગયો છે પણ ગ્રાન્ડ માસ્ટરના સમિંગ અપથી આપણે ઔપચારિક રીતે પચ્ચીસમી સભાનું સમાપન કરીએ...’

  ગ્રાન્ડ માસ્ટરે એમના કર્ણમંજુલ અવાજે બધાંનો આભાર માન્યો : ‘પચ્ચીસ શિબિરો ઘણો લાંબો પંથ ગણાય. આપણે બધાંને આવકારવા તૈયાર છીએ. આ નવા વાર્તાકાર જેવા નોનરાઈટર્સ અહીં આવે છે તે આપણાં સાહિત્ય માટે ઘણી આશાસ્પદ ઘટના છે. સૌથી મોટી વાત તો એ છે કે પોતાની વાર્તા વિશે થતી આકરી ટીકાઓ પણ મિત્રોએ ઉદારદિલે ઝીલી છે. મને લાગે છે, એમાં જ આપણી વાર્તાનું ઉજળું ભાવિ છે. આફટરઓલ, વી આર કમિટેડ ટુ ધી શોર્ટસ્ટોરી, એમ.’

  ભોજનસ્થળે પણ નવ્ય ગુજરાતી વાર્તાકારને કંઈ કેટલાય લેખકોએ હડફેટે લીધેલો. એને ખાવાનું સારું હોવા છતાં ભાવ્યું નહોતું. છવ્વીસમી સભામાં જો બોલાવવામાં આવે અને વાર્તા વાંચવા માટે ચિઠ્ઠીઓ ખેંચાય ત્યાં તો પહેલું જ નામ પોતાનું નીકળે અને પોતે એવી વાર્તા રજૂ કરે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રીને ય કહેવું પડે કે હા, આ રહી તળ ભેદતી ગુજરાતી ટૂંકીવાર્તા.... ચોરને કાંધ મારે એવા કાળા તડકાનો પાછો ઘરે જવા નીકળેલો નવ્ય ગુજરાતી વાર્તાકાર આવા દીવાસ્વપ્ન જોતો બસમાં બેઠો ઝોલે ચડ્યો છે. એના મસ્તિષ્કમાં ઘુમરાતી કેટલીય વાર્તાઓ પણ....

(‘તથાપિ’, ૨૦૧૧)


0 comments


Leave comment