3.2 - રાતે રૂપે / સુંદરજી બેટાઈ
તાકું – વાદળિયે તડકે નીતરતી તું આવ;
તારે રૂપે વાદળિયો ચીતરાશે !
ચારુ ચાંદલિયે ચોકે તું ચમકંતી આવી;
તારી દમકે ચાંદલિયો દમકાશે !
આ રે સાંઝરે ઝાંઝરે ઝમકંતી આવ;
તારે ઝમ્મકારે સાંઝ ઝમ્મકાશે !
વ્હેલી વ્હેલી સવારને હિલોળંતી આવ;
તારે રૂપે સવાર રૂપરૂપ ન્હાશે !
ભલે બળતે બપ્પોરે ઉજ્જવલતી તું આવ;
તારે રૂપે બપ્પોર નીરનીર થાશે !
સમે મનગમતે તારે મલકંતી તું આવ;
તારે રૂપે મનેખ-મંન ઝ...લકાશે !
વ્હાલવ્હેલી વ્હેલેરી ઉલ્લોલંતી આવ;
વેળ સર્વ બની સપ્પરમી પ...મરાશે !
રે ઓ ! જ્યાં હો જે રૂપે ત્યાંથી તું પધાર;
પ્રાણમોંઘેરાં ફૂલ રખે ડૂલ થાશે !
તારા જ્યાં હો ત્યાંથી જ દ્યોતકરને પ્રસાર;
અમ અંધારા દીપ રખે ગુલ થાશે !
૨૦-૧૧-૧૯૭૪
0 comments
Leave comment