3.3 - ક્યારે ? ક્યારે ? / સુંદરજી બેટાઈ


આ તે રાત્રી ? મૌન વા મૃત્યુનું આ ?
શબ્દો પાછા કાં ફરે આમ મારા ?
કર્ણો તારા બંધ શું તેં કર્યા જ ?
દે ના શાને સ્વલ્પ સામો અવાજ ?

જાગું છું હું નિત્ય પ્રાતર્હવામાં,
તોયે જાણે શૂન્ય સૂતી નિશામાં !
પંખી ગાતાં પુષ્પનાં સ્ફૂર્તિગાન,
તોયે હૈયું કેમ રે ભગ્નતાન ?

ક્યારે, ક્યારે મૌનઝંકાર તારા
નર્તી રહેશે અંતરાગાર મારે ?
તારું સર્વગ્રાહી બ્રહ્માંડ ભવ્ય
રહેશે વ્યાપી લયલલિત આ રંકના અંતરાંડે ?
ક્યારે ? ક્યારે ?

૨૧-૧૦-૧૯૭૪


0 comments


Leave comment