3.4 - શું શૂન્યતા શાશ્વત, દિવ્યતા વા ? / સુંદરજી બેટાઈ


આ વિશ્વ શું પાંગર્યું શૂન્યમાંથી ?
જશે વિલાઈ વળી શૂન્યમાં જ શું ?
શું શૂન્ય શૂનું નિખિલે અખિલ પ્રવર્તન ?

સૌંદર્ય ભવ્ય નભવિસ્તરમાં વિલાસે
રૂપે અનન્તવિધ છાય અને પ્રકાશે,
આ સાગરાંબરસુહાગવતી ધરિત્રી;
વૈવિધ્યથી વિલસતાં ઋતુચક્ર વ્હેતી
એ ચંડચંડ, કમનીય છતાં વનશ્રી;
ને માનવી સુભગ-દુર્ભગચક્રવર્તી.

અભ્રોચ્ચ દુર્ગમ શિરો નભપાર તાકતાં,
ઉત્કર્ષતાં નયનચિત્ત, હિમાદ્રિકેરાં;
વ્હેતી વિલોલ વહને વિપુલા જલશ્રી :
વ્હેતું શું જીવન સહસ્ત્ર-સહસ્ત્ર-ઊર્મિ !

વિશ્વાત્મનાં ગહન ચિન્તનદર્શનોનાં
ઊંડાણ-ઉડ્ડયનમાં રત આત્મરિદ્ધિ;
ને કલ્પના ગહનગોપનને ઉકેલી
જોતી સદા ગહન માનવ-અંતરોનાં,
લ્હેરાવતી લલિતભવ્ય છટા ભરેલાં,
લીલાવિમાન ઋતકાવ્યકલાસમૃદ્ધિ :

અંધારમાં વલખતી ભટકે છતાંયે
ઝંખંત જ્યોતિ વિવિધે રૂપ ઉજ્જવલન્તી,
સર્વત્ર અમૃતકરે વિષને વિમોચી
જાતે જ જ્યોતિમય દિવ્ય મનોવિભૂતિ !

ને કો વિરાટ વર દિવ્ય વિભૂતિમત્વ,
શૂન્યત્વસંવરણ રૂપ-અરૂપ-ઊર્ધ્વ,
ખેલે અચંચલ અનન્ય અગમ્યલીલ ?!

હે શૂન્યની-દિવ્યની આદિકર્ત્રી !
જોઈ રહું ઉભય કૌતુકફુલ્લ નેત્રથી :
શૂન્યત્વ-દિવ્યત્વ નહીં શું બન્ને
નેત્રો સદાનૂતન શાશ્વતીનાં ?
શૂન્યાંધતા વા ન શું દૃષ્ટિશૂન્યતા ?
ન દિવ્યતા અદભુત દિવ્યદૃષ્ટિતા ?

રે હો સ્વયંભૂત, સ્વયંપ્રકાશ !
પૂછું તને પ્રાંજલિ હું પુન:પુન:
શૂન્યત્વ શાશ્વત શું ? શાશ્વત દિવ્યતા વા ?

૨૫-૧૦-૧૯૭૪


0 comments


Leave comment