3.5 - આદિવરાહ, કહો....! / સુંદરજી બેટાઈ


બ્રાહ્મમુહૂર્તે,
ભદ્રંકરણે બ્રાહ્મમુહૂર્તે,
સુખસંચરણે બ્રાહ્મમુહૂર્તે,
ક્યાંથી આ अ-ब्राह्म અમંગલ
શબ્દ ઘર્ઘરે બ્રાહ્મમુહૂર્તે,
લઘુક મંગલે મુજ આંગણ-ઉદ્યાને,
ભદ્રવિભંજક સર્વધ્વંસક ?

અરે ! અહીં તો –
લીલાલહર્યા તૃણનાં ભક્ષક,
વેલવિહિંસક,
સુખરોહણ સૌ બાલવૃક્ષના
રૂપવિલોપક, મૂલોચ્છેદક
ભુંડ-ભુંડ સૌભાગ્યદ્રોહક !

અરે ! વળી ઉદ્યાનદ્વાર ને વાડબ્હાર શું ?

ત્યાંય ભૂંડી ઓ ભૂંડ-કતારો
ફૂત્કારે નિજ નાસા-દ્વારો,
ભૂંડી ભોમચર ઠરી અધિકતર મુંડ-કતારો !
ભૂંડપ-ગુંડપનો સથવારો !

ઓ રે ત્યહિં ગગને યે આ શું ?
સર-સરિતા-સાગર સંક્ષુબ્ધતી
ગગનચરા પાંખો ઘર્ઘરતી,
અગ્નિવર્ષતી, ગ્રામ-નગર-જન સર્વ ધક્ષતી,
ધરા ધ્વસ્તતી,
દુ:સહ વેગે ઊંચે ધાતી, વળી વળી વંકાતી
ફરી અભ્રદલમાં સંતાતી,
દૃશ્યાદૃશ્ય ભ્રમણભયલીલા વિશે રાચતી,
મદ-ઉન્મત્તા સર્વ-ભૂંડપે ભુંડોની સેના ધખવખતી !

દિસ્યાં પ્રથમ તો બે જ-
અરે એ બેમાંથી જ બની શું આ બહુમાયાવી બહુલક્ષા ?

ઓ સંત્સંધારક ! શિવસંચારક ! સુંદરસંવર્ધક ઓ !
ઓ आदिवराह ! પુરાણ – પ્રસિદ્ધ ઓ !
કહો કહો આ સર્જનની શું અંધ-વિલોપની
લીલા અકલ તમારી ?
વા, આપ રહ્યા અમ જીવનદાત્રી જીવનધાત્રી –
ધરા આમ ઉદ્ધારી ?

૨૨-૧૦-૧૯૭૪


0 comments


Leave comment