3.7 - ‘ઊગે સૂરજ’ – ‘સૂર્ય આથમે’ / સુંદરજી બેટાઈ
ઊગે સૂરજ નિત્ય :
નિત્યની જેમ
ઊગ્યો આજે ય એમનો એમ :
તો ય ખટકતું અંતર-અંતર ઊંડે ઊંડે કેમ ?
રહી ગયું કૈં ઘટિત ઊગવું પાલવવું, તે
વણઊગ્યું ને વગર-પાલવ્યું, -
ક્યાંક જ નહિ, સર્વત્ર જ જાણે –
થયા કરે છે એમ !
નીલ ગગનશય્યામાં પોઢ્યાં
સર્વ કુશળ, સૌ ક્ષેમ ?
* * *
સૂર્ય આથમે નિત્ય :
નિત્યની જેમ
આજે પણ આથમ્યો એમનો એમ :
તો ય ખટકભર અંતર આવું કેમ ?
આથમવા ઓસરવા જેવું
વગર-આથમ્યું વગર-ઓસર્યું કેટકેટલું
અહીંતહીં સર્વત્ર ઝલપતું
મદમીંઢું, બહુબોલું છતાં યે,
નિકટ દૂર કંઈ વિકટ વિફરતું દમ્યા કરે છે કેમ ?
ગહનગુફા સાંકડી પડી તે
ધરતી ને અંતરધરતીને
રોળ્યે રાખે સર્વદિશાએ સર્વઉપાયે
વાંકાં નિશાનનેમ ?
કુશળ હો સર્વ ! સર્વ હો ક્ષેમ !
૧૯૬૯
0 comments
Leave comment