3.8 - લીલા આ અંધ નીર્ઘૃણા ! / સુંદરજી બેટાઈ


વિચિત્રવિદ્ધ જગ આ કારમું ને અકારમું
નિર્મ્યું કોણે અરે શાને ?- આપણે જ નિરર્થ વા ?
ચોમેર કંટકી ઊઠ્યાં હાથલાં વન થોરનાં,
રોપ્યાં ખૂંપ્યાં સદા જેમાં ફૂટતાં કચ્ચરો થતાં !
તરસ્વી કચ્ચરો તીક્ષ્ણ ઊડતી દિશ સર્વમાં
વિસ્ફોટક વિષજ્વાલે વિસ્ફૂટે રક્તઝાળમાં !
ઝાળજીવિતમાં શાને સર્વને આમ તાવવાં ?
પ્રજાળી કેમ ના નાખે, રુદ્ર, સર્વ ક્ષણાર્ધમાં ?

જાહ્નવી-યમુના ક્યાંક, ક્યાંક તીર્થ પ્રયાગનાં
વહેતાં શીતળી ધારે, અનિલે શૈત્ય લહેરતાં –
કદી કદી, છતાં ભાસે વ્હેતાં ચંડપ્રવાહમાં
હજારો વર્ષથી વ્હેતી કોઈ વેતરણીતણા !
અશિવંકર આ તે શું શિવસર્જક યંત્રણા ?
વિશ્વદીપક ! હો ભદ્ર ! લીલા આ અંધ નીર્ઘૃણા !

૨૪-૦૪-૧૯૭૫, નવી દિલ્હી


0 comments


Leave comment