3.9 - ડરાકતાં અમે દાદુરડાં... ? / સુંદરજી બેટાઈ


શું કહ્યું ? શું કહ્યું ?
    ડરાકતાં અમે દાદુરડાં અંધકૂપનાં લાતંલાત ?
    ધ્રુરીયલ બની વાતંવાતે,
       દેખતાં-આંધળાં કરતાં ઘાતંઘાત ?
    ડરાકતાં અમે દાદુરડાં..... ?

સાત સાગરને પેટમાં પૂણો તો ય એ કૂપ રહે ઊણો !
દોરદમામ ને પૂછજો – બાકી એક ન ખાંચ કે ખૂણો !
ડરાકતાં અમે દાદુરડાં..... ?

‘જીવિયે ! જીવિએ !’ કરતાં ધાતાં, મારતાં મરતાં રહિયે :
ઘેન કહો ! વ્હેન કહો ! કેમ કરી અમે અન્યને જીવતાં સહિયે ?
ડરાકતાં અમે દાદુરડાં..... ?

ભૂમિતિ, દ્યોમિતિ, બીજ ને અંકની
યાન્ત્રિક-તાન્ત્રિક લીલા લડાવતાં જઈએ;
ધર્મ ને તત્વની, અર્થ ને સત્વની
સોહન મોહન બાંગ પોકારતાં રહિયે.
ડરાકતાં અમે દાદુરડાં..... ?

પાંચેય તત્વને ઘોળી ડહોળી રક્તની ખેલિયે હોળી :
માયા અમારી ન તાગી શકે કોઈ –રહે ભલે આંખિયું ચોળી !
ડરાકતાં અમે દાદુરડાં..... ?

દાદુરડાં અમે ભૂં-ફૂં કરતાં શ્વાસ ને શૂકર થઈ એ;
સિંહશૃંગાલો ને વૃશ્વિકસર્પો રૂપ પલટતાં રહિયે,
સમો સમો જોઈ ઘોર મધુરરવ ગાણાં ગજાવતાં જઈએ;
સાપ-છછૂંદરી કૂટકલા કરી સોંઘા મુનિવ્રત લઈએ;
મૂષકી વિદ્યાની મોહન વારુણી પીતાં પીતાં રહિયે;
બાજીનાં સોગઠાં કરીએ કૈંકને,
ખપ પડ્યે કદી હસતાં રમતાં પંડે ય સોગઠાં થઈએ.
ડરાકતાં અમે દાદુરડાં..... ?

બુદ્ધ-મહાવીર-જીસસ-ગાંધીને સામટી દઈએ ફાંસી !
ફોડિયે આંખ ઊઘડતાં વેંત જ- રાખે કરે કોઈ ત્રાંસી !
ડરાકતાં અમે દાદુરડાં..... ?

૨૫-૦૪-૧૯૭૫, નવી દિલ્હી


0 comments


Leave comment