4.1 - વિષાદ જ પ્રસાદ હો ! / સુંદરજી બેટાઈ


પૂજ્યનાં પૂજન કર્યા; -ભર્યે હૃદય સત્કર્યા !
અનર્ચ્ય ના કદી અર્ચ્યાં જાણીને વા તિરસ્કર્યા.-
દીપ-પ્રદીપ સ્થાપી મેં કીધ ચિત્ત સમુજ્જવલ; -
બૂઝ્યા એ-ચેતી ત્યાં ઊઠી આગ કેવી અમંગલ !

પારિજાતકને શાને ફૂટતાં શૂલકંટક ?
અપેક્ષી આમ્ર વાવેલાં ઊઠે શે થઈ બાવળ ?
સુગન્ધી કુંકુમેથી યે નીપજે કેમ કાજ્જ્લ ?
ચોમેર જ રહે વ્યાપી જાણે નિર્જલ નિસ્તલ !

દિનનિર્ગમનો શાને ગ્રસ્ત ત્રસ્ત પ્રલંબિત !
રજનીવહનો શાને ક્ષિપ્ત-વિક્ષિપ્ત ખંડિત !
પ્રાતર્ભવનમાં ક્યારે આરતી-ધૂપ મંગલ ?

કરું વિવિધ પેરે હું નિરોધ અવસાદનો,
ઓછાયો તો ય કાં ઘેરો રહે ઘેરી વિષાદનો ?
દૈવનિર્મ્યો દેવદીધો વિષાદ જ પ્રસાદ હો !

૦૫-૧૨-૧૯૭૪


0 comments


Leave comment