4.2 - શું ના વ્હેશે આયખું ગંગધાર ? / સુંદરજી બેટાઈ


‘આવો, આવો ! – આવજો, આવજો’માં
છીણ્યે રાખી ગપસપમહીં કૌતુકી કાલકેળ !
ખાવા-પીવા-ઝૂંટવા-ફૂંકવામાં
ફૂંક્યે રાખી હસહસ કરી કેટલી રિદ્ધિ-વેળ !

‘સાધું સાધું ઈષ્ટ’ એ ઝંખનામાં
ચોંટ્યું સામું વિકટ વસમું પ્રેય તો યે અનિષ્ટ.
મૌની ! જ્યાં હો, ક્હે મને ત્યાં થકી જ
ધીમું ધીમે, પ્રિયતમ ! તને એ જ છે શું અભીષ્ટ ?

લાખેણું કૈં અંતરે રાખ્યું સંચી,
ભાસે થાતું ક્ષણક્ષણ મને તેય શે છિન્નછિન્ન ?
પેટાવું દીવો ભર્યા અંધકારે,
દે હોલાવી અકલ ઝપટે કોણ ? ને અંધકાર
વ્યાપી રહેતો શતગુણ બની કેમ રે સૂનકાર ?

વ્હાલા મારા ! વિશ્વ સંધારનાર !
લાગે મારો તૃણતનિકનો એકલાનો શું ભાર ?
છેદ્યું ભેદ્યું આપદા-સંપદામાં
શું ના વ્હેશે લઘુક જ રહ્યું આયખું ગંગધાર ?

૦૫-૧૨-૧૯૭૪


0 comments


Leave comment