4.4 - ભલેને સાચ પ્રજ્વળે ! / સુંદરજી બેટાઈ
આવે ત્યારે “ના’વ” કોઈ ન કહેતું,
હૈયામાંહીં સમસમી સૌ રહેતું !
મેં તો વાળી લીધ છે દૃષ્ટિ હ્યાંથી :
રહેતો તાકી આવશે કેમ ક્યાંથી.
ભાસે સૂકી આ વસૂકી ધરિત્રી :
સૂની સૂતી અભ્રહીના નભ:શ્રી;
તો યે મારી લુબ્ધ ને ક્ષુબ્ધ દૃષ્ટિ
રહેતી ઝંખી સર્વત: વૃષ્ટિ વૃષ્ટિ.
આવો આવો, નિશ્ચયે આવનાર !
આરો મારો – આપનો સંગચાર !
ઓછુંવત્તું, સૂકું કે પાક્યું કાચું,
જે સંગાથે સીધ્યું તે સીધ્યું સાચું !
સાચ સાચ સદા ઝંખ્યું; સાચને આંચ છો અડે !
અડે શું – આખું ને આખું ભલે ને સાચ પ્રજ્વળે !
૧૭-૧૦-૧૯૭૪
0 comments
Leave comment