4.5 - બાલ હું બાલ સર્વથા !? / સુંદરજી બેટાઈ
વસમી વસમી વાટો, વસમાં વસમાં વનો,
વસમાં વાસ-ઉદ્યાનો :
બાલ હું બાલ નિત્યનો !
અહો દિવસ લંબાતો, પ્રલંબાતી નિશા ય તે,
વિલોપાતી ઉષા-સન્ધ્યા –
વિલંબાતી ક્ષણે ક્ષણે :
બાલ હું બાલ હું ખરે !
આમતેમ રહું ટાંપી સાચો ખોટો ય આશરો :
વિસ્તર્યા વંક પંકોમાં દેખું ના ક્યાંય પંકજો :
બાલ હું બાલ વિભ્રમ્યો !
લતાવૃક્ષ નિહાળી જ્યાં લંબાતા હાથ નાંગરે,
ઉઝેડે અંગ આખું રે કોણ કંટક-ઝાંખરે ?
ઊંચાં આઘાં ફલો પુષ્પો :
બાલ આ કેમ તે સહે ?
પાણી પાણી કરું – દોડું શૂન્યે ત્યાં ઝાંઝવાંજલે,
માથે હાથ ધરી બેસું : પછાડે કોક પથ્થરે !
બાલ હું બાલ આખરે
બાલને અંક કે સ્હોડે જનની કે પિતા ભરે
શું હું નિર્માત નિસ્તાત ?
ના જાણું – બાલ હું ખરે !
રહ્યાં ક્યાં ઓ જગન્માતર્ ?
ક્યાં રહ્યાં ઓ જગતપિતર્ ?
ઉવેખો આમ તે શાને આપના બાલ અલ્પને ?
ફફડાવો અરે શાને આમ દુ:સહ ક્રન્દને ?
ન વા કોઈ જગન્માતા ?
કોઈ ના વા જગતપિતા ?
શૂન્યે ધાતા-વિધાતાના ના કો’ને બાલખેવના ?
ઉવેખાવું ઉઝેડાવું લખ્યું શું બાલને સદા ?
બાલ હું બાલ સર્વથા !?
૧૦-૧૧-૧૯૭૪
0 comments
Leave comment