4.6 - જો..... / સુંદરજી બેટાઈ
બાલ આ મુજ ખરવિખર છો ને બુઝર્ગી-બાંગ દે !
યદિ અંતરે રહું નીરનિર્મલ બાલ લાલ ગુલાબ હું !
રક્ત મારું પાંડુરોગે ગ્રસ્ત પાંડુર છો બને !
સૌભાગ્ય- યદિ હૈયે રહું શુચિ લાલલાલ ગુલાલ હું !
નેત્ર હો દ્યતિનષ્ટ મારાં આ ભલે ભવ ચંચલે,
જો અંતરે પ્રજ્વલિત એક અનન્ય રમ્ય ચિરાગ રહે !
હસ્તચરણો મુજ ભલે સ્થિતિભ્રષ્ટ હો ગતિનષ્ટ હો,
જો રમ્ય રતિ નભનિર્મલા મુજ ચિત્તમાં તરતી રહે !
શ્રવણ મારાં હો ભલે શ્રુતિવિકલવ્યાં ક્ષતવિક્ષતે,
श्रोतव्यનું સંગીત રણઝણતું રહો મુજ અંતરે !
દેહ આ આખોય ઉખડ્યા વૃક્ષ જેમ ભલે પડે,
જો દેહ-દ્યોતક જ્યોત જ્યોતિર્મય બને વૈશ્વિક લયે !
૨૭-૧૧-૧૯૭૪
0 comments
Leave comment