1.1 - લોકગીતોમાં કોયલનું અર્થપૂર્ણ નિરૂપણ / કોયલ બેઠી આંબલિયાની ડાળ / બળવંત જાની
નારીનો મોહક અવાજ, ધીમેથી સંતાઈને છટાથી કશુંક કહેવાની આગવી આવડતને નિર્દેશવા માટે લોકગીતમાં પંખીસૃષ્ટિમાંથી કોયલને ખૂબ જ સાચી રીતે પસંદ કરવામાં આવી જણાય છે. કોયલના નિર્દેશવાળા અનેક લોકગીતો મળે છે. લોકગીતમાં કોયલની સાથે જ લીલી વાડી, આંબો જેવા નિર્દેશો આવે છે જે ગૃહસ્થાશ્રમના બહોળા પરિવારના અને સભરતાના પરિચાયક છે. એક લોકગીતની પંક્તિ છે કે –
‘લીલી વાડીમાં લીલો આંબલો રે,ત્યાં રે કોયલડીનો વાસકોયલ બોલે ને ટહુકા કરે રે....’
અહીં કોયલ રૂપી નારીનો ક્યાં વસવાટ છે એમ સૂચવીને ત્યાં આવા કારણે એ કેવી સભરતાનો અનુભવ થતો છે એમ નિર્દેશેલ છે. તો બીજા એક લોકગીતમાં –
‘કોયલડી નવ મારીએ રેકોયલડી તો આંબડાલની રખેવાળ મારાવાલા....’
નારીને માર-પીટ કરતા નરને ઉદ્દેશીને જ જાણે કે કોઈ નારીના મુખેથી લોકગીતની ઉપર્યુક્ત પંક્તિ સર્જાઈ ગઈ હશે. બીજા એક લોકગીતમાં કોયલ અને સુડા સંદર્ભે જે કહેવાયું છે તે પણ અત્યંત હૃદયસ્પર્શી છે –
‘સુડલો તે કોયલને વીનવેઆવી રૂડી આંબલિયાની ડાળએ મેલીને કોયલરાણી ક્યાં ગ્યાતા રે....’ ૧
પોતાને ભોગવવી પડતી અધૂરપને પૂર્ણ કરવા ક્યાંક ગયેલી નારીને સુડલો વીનવે છે. પુરુષ માટે અહીં સુડલો સંજ્ઞા પણ સૂચક રીતે પ્રયોજાઈ છે. પોપટ અને સુડા વચ્ચે જે મહત્વનો તફાવત છે તેને સંદર્ભે અહીં ઉચિત રીતે સુડો રૂપક પ્રયોજાયું છે. તરુણી-કુમારિકાઓ તરફ જ આસક્ત અને એમાં રમમાણ કાચી આમ્રમંજરીઓને ચાખતા અને ફેંકી દેતા પુરુષ માટે પ્રયોજાયેલ સુડો સંજ્ઞા-નિર્દેશ એ રીતે ભારે અર્થપૂર્ણ લાગે છે.
અહીં લોકગીતની તે પછીની પંક્તિમાં જે જવાબ કોયલ તરફથી મળે છે એ સુડલા જેવો પતિ જે બાબતે અન્ય સ્ત્રી તરફ આકર્ષાય છે એની પૂર્તિ પોતાનામાં કરવા માટે વિવિધ કૌશલ્યો મેળવવા માટેની મથામણ કોયલના ઉદગાર રૂપે અભિવ્યક્તિ પામી છે. આવા કારણે આવું લોકગીત એક ઉત્તમ કવિતાનું ઉદાહરણ પણ જણાયું છે.
‘અમે ગ્યાતા ગુમાનભાઈને ઘેર રેએને ઘેર મીઠાબોલી જનારજોવાને અમે તો ન્યા ગ્યાતા રે....૨મીઠું બોલે ને અમી ઝરે રેચાંદો-સૂરજ તપે રે લલાટજોવાને અમે ગ્યાતા રે...’ ૩
કોયલ જેવો મધુર અવાજ ધરાવતી નારી બીજી એવી જ મધુરકંઠી સ્ત્રી પાસે છે. કારણ કે બન્ને વચ્ચે કંઈ જ તફાવત નથી – સમાનતા છે. છતાં પતિદેવ ત્યાં કેમ આકર્ષાય છે ? એની ખબર કાઢવા ગયેલી નારીનો પ્રત્યુત્તર પણ કેટલો ચોટદાર છે ! એમાંથી એક છેડેથી નારીની વેદનશીલ અવસ્થિતિ અને બીજે છેડેથી પુરુષની પરસ્ત્રી તરફની આસક્તિ પ્રગટે છે.
પછી ગીતમાં અંતિમ પંક્તિ છે ‘કોયલ બેઠી આંબલિયાની ડાળ’ આમ પોતાનું સ્થાનક ઘર છે. ત્યાંથી સભરતા, શાંતિ અને સહાનુભૂતિ એને પ્રાપ્ત થાય છે. નારીનું મૂળ સ્થાન એનું પતિગૃહ છે. આંબાની ડાળ ફળ, પાનથી સમૃદ્ધ છે પણ એ રૂડી લાગે છે કોયલના બેસવાથી. ઘરની રૂડપ નારી છે. અહીં ભારે અર્થપૂર્ણ રીતે કોયલનું નિરૂપણ થયેલું અનુભવાય છે.
બીજા એક લોકગીતમાં કોયલને અનુષંગે નારીના રૂપગુણનો જે રીતે મહિમા નિરૂપાયો છે તે પણ એટલો જ આસ્વાદ્ય છે. કોયલ સંજ્ઞા દ્વારા નારીનો જ નિર્દેશ એમાં પણ સમાવિષ્ટ છે.
‘કાળી તે કોયલ શબદે સોહામણી,આવ્ય રે કોયલ અમારા દેશમાં.... ૧કેમ કરી તે કોયલ એ વન વાસ્યાં ?કેમ કરી સુડો રાણો રિઝાવિયો ?.... ૨આંબા આંબલીએ એ વન વાસ્યાં નેટહૂકે સુડો રાણો રિઝાવિયો !.... ૩કેમ કરી બેનીબાએ ઘર વાસ્યાંકેમ કરી નાહોલિયો રિઝાવિયો ? ... ૪દીકરા-દીકરીએ એ ઘર વાસ્યાં,નેણલે તે નાહોલિયો રિઝાવિયો !.... ૫
અહીં બહોળા કુટુંબ પરિવારના વસવાટની ભારે સમૃદ્ધિથી સભરતાવાળા વસેલા ઘરની વાત છે. વાસ્યાંનો અર્થ ન સમજનાર આના વિચિત્ર એવાં અર્થઘટનો કરે એ સ્વાભાવિક છે.
કોયલ શી નમણી-કાળલ નારીએ એના અવાજથી મોહિત રૂડી રીતે વાર્તાલાપ-સંવાદ કરીને ઘર ગૃહસ્થજીવન આરંભ્યું અર્થાત્ વસવાટ થયો. પછી દામ્પત્યજીવનમાં સભરતાનો કશો સંકેત નથી એમ લાગે પણ હકીકતે ત્યાં લક્ષ્મી કે શ્રીના મહિમા તરફ નહીં પણ સંતાનપ્રાપ્તિ અને એથી વસેલા સમૃદ્ધ થયેલા પરિવારની – ઘરની કથા નારી સાથેની પ્રશ્નોત્તરીમાંથી પ્રગટે છે. અહીં પણ પુરુષ માટે બહુ જ સૂચક રીતે નર કોયલને બદલે સુડાનો નિર્દેશ છે. આવા સુડાવૃત્તિ ધરાવતા પતિની ભ્રમરવૃત્તિ છોડાવવી એ નારીની બહુ મોટી સિદ્ધિ છે. આંખોના ઇશારાથી અને ટહૂકા જેવી વાત-અવાજથી નાહોલિયાને રાજી રાખતી નારીની મોહક વ્યક્તિમત્તા અહીંથી પ્રગટે છે.
નારી માટે કોયલરાણી સંજ્ઞા-રૂપક અનેક લોકગીતોમાં દૃષ્ટિગોચર થાય છે. પંખીના નિરૂપણ દ્વારા પંખી ગુણોનું આલેખન કરવાની અને એ ઉપરાંત લોકચિત્તમાં એના પરિચિત પંખીના ઉલ્લેખથી નારી છબિને આંકવાની રીતિમાંથી ભાવબોધની સાથે રસબોધમાં ભાવક લીન થાય છે. લોકગીતને અર્થપૂર્ણ કલારૂપ અર્પનારા આવા સત્વોથી પરિચિત થવું અનિવાર્ય છે. સૌંદર્યાનુભવ કરાવનારું લોકગીતનું આગવું એવું સૌંદર્યશાસ્ત્ર છે. લોકગીતોનું આ વિશિષ્ટ પાસું લોકગીતના કલા-મર્મને અને ભાવપૂર્ણ અર્થ ખોલી આપનારું છે.
(ક્રમશ:...)
0 comments
Leave comment