40 - સફળ માણસની ગઝલ / હર્ષ બ્રહ્મભટ્ટ


એકલા કૈં ઓછું પોતામાં જિવાય ?
હોઈએ જો બ્હાર સ્પર્ધામાં જિવાય.

લોક ચાલે એમ કાયમ ચાલવું,
ટેસથી ચુપચાપ ટોળામાં જિવાય.

જેટલું જિવાય ઝાઝામાં અહીં,
એટલું-એવું ન થોડામાં જિવાય.

આપણી સંસારની આ સાધના,
રોજ ભાગ્યા-ગુણ્યા-વત્તામાં જિવાય.

જે ભરેલું હોય છે ભેજામહીં,
એ જ ને એવા જ ભૂંસામાં જિવાય.

હા, ધરમ કરવો, પરંતુ વ્હેંતમાં,
એમ ઓછું આવી રસ્તામાં જિવાય ?

જ્યાં ઊભો’તો ત્યાં શરૂ કીધી કતાર,
એમ ક્યાં લગ રાહ જોવામાં જિવાય ?


0 comments


Leave comment