44 - સૌ ગયા ખોવાઈ ત્યાં જઈને વળ્યો પાછો / હર્ષ બ્રહ્મભટ્ટ


સૌ ગયા ખોવાઈ ત્યાં જઈને વળ્યો પાછો,
હું મને હર હાલમાં આમ જ મળ્યો પાછો.

હા, ઘણીયે વાર દુઃખના વાદળે ઢાંક્યો,
કૈંક આંખોમાં સૂરજ થઈ ઝળહળ્યો પાછો.

હું કબૂલું છું ગયો તૂટી ઘણી વેળા,
એય સાચું છે કે સપનાં સમ ફળ્યો પાછો.

જાઉં છું થીજી ઘણી વેળા બધું જોઈ,
પ્રેમની ખાતર હમેશાં પીગળ્યો પાછો.

બળ કરીને કેદ કરતી’તી પરિસ્થિતિ,*
કોઈ બળથી કેદ તોડી નીકળ્યો પાછો.

* સ્મરણ : કવિ શ્રી ઉદયન ઠક્કર


0 comments


Leave comment