45 - સૌ પોતાનું કામ કરે છે, ઉમર ઉમરનું કામ કરે છે / હર્ષ બ્રહ્મભટ્ટ


સૌ પોતાનું કામ કરે છે, ઉમર ઉમરનું કામ કરે છે,
ઘણાય સમજુ એવા જોયા, ખબર વગરનું કામ કરે છે.

ઘણા આળસુ એવા પણ છે, નથી પડી ખુદનાં સુખદુઃખની,
ઘણા ઉદ્યમી શોધી શોધી સૌના ઘરનું કામ કરે છે.

કોણ મજૂરી કરે કેટલી એનાથી અંજાઈ જવું ના,
ઘણા બતાવી દેવા ખાતર ગજબ જિગરનું કામ કરે છે.

ગતિ-ઝડપના આધારે શું ઉત્તમ-અધમ હમેશાં ગણવા,
ભલી નજર કરતાં તો ઝડપી બૂરી નજરનું કામ કરે છે.

યાદો, સપનાં, કદી પવનની લ્હેર ને ખુશ્બૂ... કેટકેટલું,
જૂના રસ્તાઓ પર પાછી નવી સફરનું કામ કરે છે.


0 comments


Leave comment