47 - એ વળી કેવી સમજ કાયમ બનાવી જાય કોઈ / હર્ષ બ્રહ્મભટ્ટ
એ વળી કેવી સમજ કાયમ બનાવી જાય કોઈ,
કાં નજીવી વાતમાં પણ હચમચાવી જાય કોઈ.
તું કહે આ પ્રેમ ને શ્રદ્ધા ઉપરછલ્લાં નથીને ?
છે અડગ તારા કદમ તો કાં ડગાવી જાય કોઈ ?
કાળની કેડી ઉપર છે બે ઘડીનો સંગ કહીને,
રંગ હૈયે જિંદગીભરનો લગાવી જાય કોઈ.
સાવ સૂનું, રાહ જોતું, લાગતું ખંડેર જેવું,
એ જ ઘરને યાદમાં આવી સજાવી જાય કોઈ.
કામ વરસોના વરસનાં, થાક ઊતરતો ઘડીમાં,
હાથ પકડી ‘હર્ષ’ ગઝલો જ્યાં લખાવી જાય કોઈ.
0 comments
Leave comment