48 - છે અલગ ધરતી અને નોખું ગગન ગુજરાતમાં / હર્ષ બ્રહ્મભટ્ટ


છે અલગ ધરતી અને નોખું ગગન ગુજરાતમાં,
ને ખમીરનું-હીરનું થાતું જતન ગુજરાતમાં

ઐતિહાસિક, ઈશ્વરી-દૈવી મિલન ગુજરાતમાં,
રાસ-દુહા-શૌર્યગીતો ને ભજન ગુજરાતમાં.

નર્મદા-સાબરમતી –મહીસાગરે નીર ઊછળે,
જ્યાં નજર પડતી ઠરે સૌનાં નયન ગુજરાતમાં.

તપ નિરંતર આદરી ગિરનાર-શત્રુંજય ઊભા,
એટલે નિર્મળ રહ્યાં પાણી-પવન ગુજરાતમાં.

સૂર્યમંદિર, સોમનાથે, શાખ સૂરજ-ચંદ્રની,
સર્વનાં સુંદર, સરળ, ઝળહળ જીવન ગુજરાતમાં.

જ્યાં ગયા, જ્યાં જ્યાં વસ્યાં, એ મ્હેકતા ગાતા રહ્યા,
મૂળમાં પ્રત્યેક ગુજરાતીનાં મન ગુજરાતમાં.

વિશ્વમાં જે જ્યાં વસે ત્યાં નામને રોશન કરે,
હોય છે એ દોસ્ત જેનું પણ વતન ગુજરાતમાં.


0 comments


Leave comment