49 - સાંજ લંબાઈ અને જ્યારે ઢળે તારા વગર / હર્ષ બ્રહ્મભટ્ટ


સાંજ લંબાઈ અને જ્યારે ઢળે તારા વગર,
એક ઉદાસી ગજબ ઘેરી વળે તારા વગર.

હોય તું સાથે, જગત આખ્ખુંય મારી સાથમાં,
હુંપણાનો પ્હાડ આખ્ખો ઓગળે તારા વગર.

લોકને લાગે ઉમેરાતું કશું, ખૂટતું મને,
આ જગત મારી ગઝલ જો સાંભળે તારા વગર.

યાદ ઉપર યાદ ઉપર યાદ કૈં મોજાં સમી,
ચિત્રનો દરિયો ગજબનો ઊછળે તારા વગર.

આ બધું તારે જ કારણ જાણતો આ ‘હર્ષ’ પણ,
વ્યર્થ છે સઘળી પ્રતિષ્ઠા જે મળે તારા વગર.


0 comments


Leave comment